હિન્દુ ધર્મમાં વિખવાદ ન થાય અને પાર્ટીને નુકશાન ન થાય તે માટે ભાજપ મહામંત્રીને રજુઆત કરી આધિકારીને પણ વિવાદ વગર મેદાન આપવા અનુરોધ મોરબી : છેલ્લા 13 વર્ષથી વાંકાનેરમાં ગણેશોત્સવનું આયોજન કરતા ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીને આ વર્ષે રાજકીય સખળ ડખળમાં મેદાન ફાળવવામાં ન આવતા છેલ્લા અઠવાડિયાથી મેદાન મુદ્દે જીતુભાઇ ઉપવાસ ઉપર ઉતરી જતા આ મામલે આજે મોરબી - માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ખુલીને મેદાને આવ્યા છે અને આવતીકાલે ગણેશોત્સવ પૂર્વે જ તાત્કાલિક મેદાન ફાળવવા આવે તેવું જાહેરમાં નિવેદન આપી ભાજપ મોવડી મંડળ અને અધિકારી સાથે પણ જરૂરી વાતચીત કરી છે. મોરબી - માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આજે વીડિયો મેસેજ થકી નિવેદન આપતા જણાવ્યું હતું કે, વાંકાનેરના ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણી છેલ્લા 13 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરી રહ્યા છે અને તેમની સાથે સાથે અનેક હિન્દુ સમાજના લોકોની આસ્થા ગણેશોત્સવ સાથે જોડાયેલી છે ત્યારે જે જગ્યાએ ગણેશોત્સવ થાય છે તે જગ્યા માટેની વાજબી માંગણી તંત્રે સ્વીકારી આવતીકાલે ગણેશોત્સવનો પ્રારંભ થાય છે તે પૂર્વે જ વિવાદ સમાવી જીતુભાઈને મેદાન આપવા ભાર પૂર્વક તંત્રના જવાબદાર અધિકારીને અનુરોધ કર્યો છે. વધુમાં કાંતિલાલ અમૃતિયાએ ઉમેર્યું હતું કે, જ્યોત્સનાબેન સોમાણી અને હું બન્ને એક જ ટર્મમાં ચૂંટાયેલા હતા અને ગાંધીનગરમાં બાજુ બાજુમાં જ રહેતા હતા. ગઈકાલે તેમની તબિયત લથડતા આ મેદાન ફાળવણી મુદ્દે તેઓએ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડા અને જવાબદાર અધિકારી સાથે વાતચીત કરી સત્વરે જીતુભાઈને મેદાન ફાળવવામાં આવે તે માટે વાતચીત કરી હોવાનું અને હિન્દુ ધર્મની લાગણીને ઠેસ ન પહોંચે તેમજ ભાજપ પક્ષને નુકશાન ન પહોંચે તેવો તાત્કાલિક નિર્ણય કરવા ઉચ્ચકક્ષાએ ધ્યાન દોર્યું હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.