મોરબી : અખંડ ભારતના સર્જક અને દેશના નાયબ ગૃહ પ્રધાન તરીકે 562 રજવાડાઓનું એકત્રીકરણનું ભગીરથ કાર્ય કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અંતર્ગત સમગ્ર ભારત રાષ્ટ્રમાં એકતા પદયાત્રા ચાલી રહી છે. તે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પણ 26 નવેમ્બર કરમસદથી પ્રારંભેલી અને 6 ડિસેમ્બરે કેવડિયા એકતાનગર પુર્ણાહુતી થનાર 190 kmની સરદાર એકતા પદયાત્રા હાલ ચાલુ છે. તેમાં વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં બે દિવસ આ પદયાત્રામાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા જોડાયા હતા. આ યુનિટી માર્ચમાં ઠેર ઠેર સરદારના જીવન ચરિત્રને ઉજાગર કરતા અનેક કાર્યક્રમો યોજાતા હોય છે. તેમાં આ પદયાત્રા દરમિયાન શિનોર તાલુકામાં 562 રજવાડાઓની સ્મૃતિમાં સરદાર એકતા સ્મૃતિ વન નિર્માણ કરવાના ભાગરૂપે યોજાયેલા વૃક્ષારોપણમાં તેલંગાણાના આગેવાન પ્રેમચંદ રેડી સાથે બ્રિજેશ મેરજાએ ભાગ લીધો હતો. મોટા ફોફળવા ગામે ગુજરાતના નામદાર રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મંત્રીઓ નરેશ પટેલ, બરંડા સહિત અનેક રાજકીય અને સરકારી અને પંચાયત ક્ષેત્રના મહાનુભાવો આ પદયાત્રામાં સામેલ થયા હતા. એકંદરે આ યુનિટી માર્ચ ખૂબ ઉત્સાહભેર પરિભ્રમણ કરી રહી છે. અને લોકો પણ ઉમંગથી ઠેર ઠેર આવકારતા હોય છે. આમ સરદાર વલ્લભભાઈ પટેલનો એકતાનો સંદેશ અને તેમના જીવન અને કવન લોકો સુધી પહોંચાડવામાં સફળતા મળી રહી છે.