મર્સિડીઝ કાર, હુમલામાં વપરાયેલા ધોકા સહિતના હથિયાર કબ્જે કરી પોલીસે તપાસ શરૂ કરીમોરબી : મોરબીમાં રૂપિયા 25 લાખની ઉઘરાણી મામલે મેટ્રો સિરામિક ગ્રુપના સંચાલકને ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં બોલાવી જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેને ધોકા વાળી કરી જીવલેણ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ આ ગુન્હામાં જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અજય લોરિયાની ધરપકડ કરી હતી.મોરબીના એવન્યુ પાર્કમાં રહેતા મેટ્રો સિરામિક ગ્રુપના ઉદ્યોગપતિ શેખરભાઈ રતીલાલભાઇ આદ્રોજા ઉ.46એ આરોપી જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અજય મનસુખભાઇ ઉર્ફે પોપટભાઈ લોરીયા રહે.એવન્યુ પાર્ક મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી શેખરભાઈને આરોપી અજય લોરીયા પાસેથી લાંબા સમયથી રૂ.25 લાખ લેવાના નીકળતા હોય આરોપી અજય પૈસા આપવામાં બહાના બતાવતા હતા.જેમાં ગઈકાલે પૈસા પરત આપવા વાયદો કર્યો હતો પરંતુ પૈસા ન આપતા શેખરભાઈએ રાત્રીના ફોન કરતા અજય લોરીયાએ શેખરભાઈને સરદારબાગ પાસે આવેલ ભારત ટ્રાન્સપોર્ટના ગોડાઉને બોલાવ્યા હતા.દરમિયાન ફરિયાદી શેખરભાઈ તેમના મિત્ર જયેશભાઇ ઉર્ફે મુન્નાભાઈ વનજીભાઈ પાડલીયાને લઈ ઇનોવા કારમાં સરદાર બાગ સામે ટ્રાન્સપોર્ટના ગોડાઉનના ડેલામાં જતા અગાઉથી ત્યાં હાજર રહેલા અજય લોરીયા અને અન્ય એક અજાણ્યા શખ્સે પોતાની મર્સીડિઝ કારમાંથી ધોકો કાઢી ધોકા વડે ફરિયાદી શેખરભાઈ અને સાહેદ જયેશભાઇ પર હુમલો કરી શેખરભાઈના બંને હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું જ્યારે જયેશભાઇના માથામાં ધોકાના બે ઘા મારી દેતા બન્નેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હાલ સીટી એ ડિવિઝન પોલીસે અજય લોરીયા અને અન્ય એક અજાણ્યા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.આ અંગે મોરબી Dysp જે.એમ. આલ દ્વારા વિગતો આપતા જણાવ્યું હતું કે આ ગુન્હામાં અજય લોરિયાની તત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ હુમલામાં વપરાયેલા ધોકા સહિતના હથિયાર અને એક મર્સિડીઝ કાર પણ કબ્જે લઈ વધુ તપાસ કરવામાં આવી રહી છે.