મોરબી : આજ રોજ 11 એપ્રિલે સવારે 10:30 કલાકે મોરબીના ચરાડવા સ્થિત શ્રી મહાકાળી આશ્રમની ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સુરેશભાઈ મહેતાએ મુલાકાત લીધી હતી.મહાકાળી આશ્રમ મહંત અને 133 વર્ષની ઉંમર ધરાવતા વરિષ્ઠ સંત દયાનંદગિરીજી મહારાજના શુભ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સાથે લઘુ મહંત અમરગીરી મહારાજ દ્વારા સુરેશભાઈ મહેતાનું સાલ ઓઢાડી પુષ્પ હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. સુરેશભાઈ આશ્રમ દ્વારા ગૌશાળા અને અબોલ જીવોની જે સેવાકીય પ્રવૃતિ ચાલે છે. તેની વિસ્તૃત માહિતી ગ્રહણ કરી હતી. ગૌશાળામાં 50 ઉપરાંત ગીર ગૌમાતા છે પરંતુ એક પણ રૂપિયાનું અર્થ ઉપાર્જન તેના દ્વારા કરવામાં આવતું નથી. ગૌમાતાનું દૂધ શ્વાનો - બિલાડીના સમૂહને અને ઘોડા સહિતના અબોલ જીવોને પીવડાવવામાં આવે છે. આમ નિઃસ્વાર્થ ભાવે ચાલતી આ અબોલ જીવોની સેવાકીય પ્રવૃતિ વિષે જાણી સુરેશભાઈ મંત્રમુગ્ધ બન્યા હતા અને આશ્રમમાં શિવ મંદિર અને મહાકાળી માતાજીના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા અને આ પવિત્ર યાત્રા ધામની મુલાકાત લઈ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.