ધારાસભ્ય કાંતિલાલ અને કોંગ્રેસની સતત રજુઆત બાદ મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય મોરબી : મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો તે પહેલા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આવાસ યોજના, નંદીઘર તેમજ 45-ડી હેઠળ કરવામાં આવેલા કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગ્રેસના સતત આરોપીની સાથે જ ખુદ ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા તપાસ કરવા માંગણી કરવામાં આવી છે ત્યારે મોરબી મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરી સમગ્ર મામલે તપાસના આદેશ કર્યા હોવાનું સામે આવ્યું છે.મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નગરપાલિકા સમયે શહેરમાં વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે સોમવારે મોરબી મ્યુનિસિપલ કમિશનર સાથે મુલાકાત કરી હતી. નગરપાલિકા દ્વારા થયેલા તમામ કામોની યાદી કમિશનરને આપવામાં આવી છે. નંદીઘરમાં ભ્રષ્ટાચાર અંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ લેખિતમાં રજૂઆત કરી છે. ત્યારે ધારાસભ્ય અને કોંગ્રેસની રજૂઆતને ધ્યાને લઈને શા માટે તપાસ કરવામાં નથી આવતી? તેવા સવાલો ઉઠાવી તમામ કામોની ઊંડાણપૂર્વક તપાસ થાય તે માટે તપાસ સમિતિની રચના કરવામાં આવે તેવી અમે કમિશનર સમક્ષ માગ કરવામાં આવતા કમિશનર દ્વારા તપાસની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.બીજીતરફ મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા મોરબી નગરપાલિકા સમયના વિકાસ કામોમાં ગેરરીતિ અંગે કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. જેમાં 45-ડી હેઠળ થયેલા કામો અને અન્ય કામોમાં ગેરરીતિ થઈ છે કે કેમ તેની તપાસ કરવા માટે આજરોજ કમિશનર દ્વારા તપાસ સમિતિની રચના કરવાની સૂચના આપવામાં આવી છે. આ સમિતિ સમગ્ર પ્રકરણની તપાસ કરશે. જેમાં જે તે વખતે કઈ વસ્તુની ખરીદી થઈ હતી અને કેવી આવશ્યકતા હતી તેની તપાસ કરાશે અને આ પ્રક્રિયામાં કોઈ નિયમનો ભંગ થયો હશે તો તેનો રિપોર્ટ કમિશનરને કરવામાં આવશે અને કમિશનર દ્વારા યોગ્ય કક્ષાએથી નિર્ણય લેવામાં આવશે.