મોરબી શહેર ભાજપ મંત્રીનું બોર્ડ મારેલી થાર અને બાઇકમાં બધા શખ્સો સિંહ દર્શન કરવા નીકળ્યા હતા, થારમાંથી દારૂની બોટલ પણ મળીમોરબી : વેરાવળ રેન્જ હેઠળના મંડોર વીડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા બદલ વન વિભાગે મોરબીના બે સહિત 7 શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો વિરુદ્ધ વન વિભાગ દ્વારા 4 લાખ રૂપિયાનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વેરાવળના RFO યોગેશ કાલસરીયાના જણાવ્યા અનુસાર, 16 જૂન 2026ના રોજ બપોરે આશરે 3 કલાકે જુનાગઢ વન વિભાગ હસ્તકની વેરાવળ રેન્જમાં આ ઘટના બની હતી. મંડોરના સ્થાનિક રહેવાસી અલ્ફાજ અનવર મલિકે અન્ય મિત્રોને જન્મદિવસની પાર્ટી માટે આમંત્રિત કર્યા હતા. આ યુવકો ઉમરેઠી અને કુકરાસ થઈને મંડોર પહોંચ્યા હતા, જ્યાં દારૂની મહેફિલ માણ્યા બાદ તેઓ થાર ગાડી લઈને ગેરકાયદેસર રીતે સિંહ દર્શનના ઇરાદે મંડોર વીડી વિસ્તારમાં પ્રવેશ્યા હતા.વન વિભાગની પેટ્રોલિંગ ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે આ શખ્સો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. વન વિભાગની ટીમે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરીને તમામ 7 શખ્સોને ઝડપી લીધા હતા. તેમની થાર ગાડીમાંથી દારૂની બોટલ મળી આવતા તેને આગળની કાર્યવાહી માટે પાટણ પોલીસ સ્ટેશન સોંપવામાં આવી છે. વન વિભાગે આ તમામ શખ્સોને રેન્જ ઓફિસ લાવી કાયદેસરની કાર્યવાહી કરી 4 લાખનો દંડ ફટકાર્યો છે.આ બનાવમાં વન વિભાગે 1. અલ્ફાજ અનવર મલિક (રહે. મંડોર - મુખ્ય સૂત્રધાર), 2. સુલતાન ભીખાભાઈ બાલાગામીયા (રહે. મેહરાળા), 3. ઘેલુભાઈ નાથાભાઈ કુંભારવડીયા (રહે. કોયલી, મોરબી ), 4. દશરથ સુરેશભાઈ ડાભી (રહે. મોરબી), 5. યશ દિલીપભાઈ ધ્રામણચોટીયા (રહે. ઉમરેઠી), 6. મનદીપ ભાવેશભાઈ રામ (રહે. ઉમરેઠી), 7. અંકિતકુમાર કિશોરભાઈ નાઘેરા (રહે. કુકરાસ)ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે જે થાર કબ્જે કરવામાં આવી છે તેમા મોરબી શહેર ભાજપ મંત્રી નામનું બોર્ડ પણ લગાવવામાં આવેલું હતું. આ કામગીરીમાં ડીસીએફ અક્ષય જોશી, એસીએફ સુનિલ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આરએફઓ યોગેશ કાલસરિયા, ફોરેસ્ટર એલપી લહેરુ, બીટ ગાર્ડ એચએમ મેર, રાહુલ ડોડીયા રોકાયેલ હતા. થારમાં મોરબી શહેર ભાજપ મંત્રીના નામનું બોર્ડ મળી આવવા મામલે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ જણાવ્યું કે તાજેતરની ચૂંટણીમાં અનેક હોદ્દેદારોને ટીકીટ મળી હોય, હાલ શહેર ભાજપનું માળખું અસ્તિત્વમાં જ નથી. વધુમાં આ અંગે કઈ ખ્યાલ નથી. પણ હવે મુદ્દો ધ્યાને આવતા આ અંગે તપાસ કરીને જરૂરી પગલાં લેવાશે. #GirSomnath #Veraval #ForestDepartment #LionIllegalSighting #MorbiNews #CrimeNews #MorbiUpdate