જિલ્લા વિકાસ અધિકારીએ તાકીદે કાર્યવાહી કરાવી : લાકડધાર ગામે દબાણ પણ હટાવાયા મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહેન્દ્રનગર ગામે કોઈ દુર્ઘટના સર્જાય તે પૂર્વે જ જર્જરીત ક્વાર્ટર્સ અને જુનું બસ સ્ટેન્ડ તોડી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત લાકડધાર ગામે ગ્રામ પંચાયત ક્વાર્ટર અને ગ્રામ પંચાયત હસ્તકના રિલાયન્સ દ્વારા બનાવી આપેલા હોલમાં દબાણ થઈ જતા એને પણ હટાવવામાં આવ્યા છે. મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા તા-૩ના જર્જરિત મકાનો દુર કરવાનો પરિપત્ર કર્યા બાદ મહેન્દ્રનગર ગામના સ.નં. ૧૮૭ પૈકીમાં ત્રાજપર ચોકડી પાસે BRC ભવનની બાજુમાં આવેલા તાલુકા પંચાયત મોરબીના જુના જર્જરીત ક્વાર્ટર્સ દુર કરવાની કામગીરી તા- ૪ના હજુ તો પૂર્ણ થઇના હતી ત્યાં મોરબી જીલ્લાના મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના પાદરમાં આવેલ જુનું બસ સ્ટેન્ડ અતિ જર્જરિત હાલતમાં આવેલ હોવાનું જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને આવતા તુરંત જ તાલુકા વિકાસ અધિકારી દીપાબેન એચ. કોટકને સૂચના આપી તોડી પાડવા જણાવેલ હતું. જેથી ટીડીઓ દ્વારા જુના જર્જરીત ક્વાર્ટર્સ દુર કરવાની કામગીરી પૂર્ણ કરી તુરંત જ મહેન્દ્રનગર ગામના પાદરમાં આવેલ જુનું બસ સ્ટેન્ડ યુદ્ધ ના ધોરણે કાર્યવાહી કરી હતી. જેમાં અ.મ.ઈ. પાર્થ એસ પટેલ, જિલ્લા પંચાયત મોરબીના લીગલ એડઇઝર સંજયભાઈ નારોલ ,વિસ્તરણ અધિકારી બી.જે. બોરાસાણીયા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ.એમ.છાસીયા તેમજ મોરબી બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ.દેકાવાડીયા ,મોરબી બી ડિવિઝન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એ.ઝાલા સહિતના જોડાયા હતા. આ અગાઉ તા- ૨ ના રોજ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે ગ્રામ પંચાયત ક્વાર્ટરમાં રહેણાકનું દબાણ તથા ગ્રામ પંચાયત હસ્તકના રિલાયન્સ દ્વારા બનાવી આપેલા હોલમાં રહેણાંક તેમજ અનાજ દળવાની ઘંટી બનાવ્યાનું દબાણ જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજાના ધ્યાને આવતા તલાટી કમ મંત્રીને ટેલીફોનીક સૂચના આપી તાત્કાલિક ૪ કલાક જેટલા ટૂંકા સમયમાં દબાણ દુર કરાવેલ હતું.