લીલાપર ચોકડી નજીક મેટાડોર ચાલક દારૂ ભરેલું વાહન રેઢું મૂકીને ફરાર, પોલીસે કુલ રૂ.5.51 લાખનો મુદામાલ જપ્ત કર્યો મોરબી : મોરબીના લીલાપર ચોકડીથી નવાગામ તરફ જવાના માર્ગ ઉપર આજે વહેલી સવારે પોલીસે રૂ.2.51 લાખનો વિદેશી દારૂ ભરેલા મેટાડોરને ઝડપી લીધું હતું. જો કે, કોઈ કારણોસર મેટાડોર ચાલકે દારૂ ભરેલું આ વાહન ત્યાંજ રેઢું મૂકીને ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે બિનવારસી હાલતમાં મળેલા આ વિદેશી દારૂ ભરેલા મેટાડોરને જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે મોરબી તાલુકા પોલીસે નાઈટ પેટ્રોલીંગમાં હતો. તાલુકા પોલીસ સ્ટાફના નાઈટ પેટ્રોલીંગ દરમિયાન મોરબીના લીલાપર ચોકડી નજીક નવાગામ જવાના રોડ ઉપર ટાટા 407 જી.જે.31 એક્સ 3257 નંબરનું મેટાડોર રેઢી હાલતમાં મળી આવ્યું હતું. આથી તાલુકા પોલીસે આ મેટાડોરની તલાસી લેતા તેમાંથી 624 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે આસપાસમાં તપાસ કરતા આ મેટાડોરના ડ્રાઇવર કે અન્ય કોઈ શંકમદ ન જોવા મળતા તાલુકા પોલીસે હાલ રૂ.2.51.400 ની કિંમતનો વિદેશી દારૂ, મેટાડોર સહિત કુલ રૂ.5.51.400 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને મેટાડોરચાલક આ દારૂ ભરેલું વાહન રેઢું મૂકીને ફરાર થઈ ગયો હોવાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.