હળવદથી લાકડીયા વીજ લાઈનની કામગીરી સામે ખેડૂતોમાં રોષ : જો યોગ્ય પગલાં નહિ લેવાય તો આગામી દિવસોમાં રોડ ચક્કાજામ કરવાની પણ ચીમકી મોરબી : હળવદ- લાકડીયા હેવી વીજ લાઈનની કામગીરી ચોમાસુ હોવા છતાં બળજબરી પૂર્વક થતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ આજે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. આ વેળાએ હળવદ, માળિયા અને મોરબી તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ યોગ્ય પગલાં નહિ લેવાય તો ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારી છે.ખેડૂતોએ રજુઆતમાં જણાવ્યું હતું કે વીજ ટાવર કંપની વાળાને 3 તબ્બકામાં કામ કરવાનું હોય છે. જેમાં ૧) ફાઉન્ડેશન ૨)ઇરિગેશન અને 3) તાર ખેચવા. જો આ કામગીરી કરવા માટે ખેડૂત સહમત ના હોય તો કલેકટર પાસે કંપની દ્વારા ૧૬(૧) નો હુકમ મેળવવો પડે. હુકમ મળ્યા બાદ સૌપ્રથમ કંપની લાયસન્સી રૂલ મુજબ થાંભલા નાખવા કલમ ૧૦(ડી) મુજબ જમીનના મૂલ્યના ઘટાડા બાબતે જમીનનું વળતર નક્કી કરતો ખેડૂતના નામ જોગનો હુકમ કરવો પડે. આવા હુકમમાં અંદાજિત શબ્દ ન હોવો જોઈએ પરંતુ ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર થશે તો તેનું કેલકયુલેશન કરી વળતર ચુકવવામાં આવશે એવું લખી શકે. પરંતુ અંદાજીત અથવા ટેન્ટેટિવ જેવા શબ્દો ન લખી શકે.ત્યારબાદ જમીનમાં વીજટાવરની કામગીરી શરૂ કરતા પહેલા ફાઉડેશનની કામગીરી માટે કંપની દ્વારા સ્થળ તપાસી કબજાની નોટિસમાં સ્થળ પર રહેલ પાક દર્શાવી નોટિસ આપવાની રહે છે. વિકલ્પે જો આવી નોટિસ ન આપે તો કાયદા મુજબ પ્રવેશ કરવા હકદાર રહેતા નથી. ત્યારે કંપની દ્વારા વિકલ્પે ઇલેક્ટ્રોનિક સીટી એક્ટ ની કલમ ૬૮(૫ અને ૬) મુજબ તાલુકા મેજીસ્ટ્રેટને સાથે રાખી સ્થળ નું પંચનામું કરવું ફરજીયાત બને અને એ પંચનામાની નકલ જે તે ખેડૂતને આપ્યા બાદ કામ શરૂ થઈ શકે.જ્યારે ફાઉન્ડેશનની કામગીરી પૂરી થાય તુરંત જ નોટિસમાં જણાવેલ પાકની થયેલ નુકશાની માપી કંપની દ્વારા નુકશાની મંજુર કરી વળતર સહિત નુકશાની પત્રક આપવું જોઈએ અને જેમાંની ૪૦% રકમ ચૂકવ્યા બાદ જ વીજપોલ ઇરિગેશન કરવા માટે કામગિરી શરૂ કરી શકે, જે ગુજરાત સરકારના તારીખ ૧૪/૦૮/૨૦૧૩ના ઠરાવમાં સ્પષ્ટ જોગવાઈ કરેલ છે. જેથી એવી માંગ છે કે જે તે વીજટાવર કંપનીને આપ હુકમ કરો અને જેટલા પણ આ વીજલાઇન અથવા વીજપોલમાં અસરગ્રસ્ત ખેડૂતો છે તેને કાયદાકીય ન્યાય મળે.