403ના મજૂર મહેકમ વચ્ચે માત્ર 146 સ્ટાફથી ચાલતી પાલિકા :1990માં મહેકમ મંજુર થયા બાદ નવા સ્ટાફની ભરતી જ ન થઈ મોરબી : મોરબીની વિવિધ સમસ્યાઓ વર્ષોથી નથી ઉકેલાતી એમાં મોરબી પાલિકામાં સ્ટાફ ઘટની સમસ્યા મહદઅંશે જવાબદાર મનાય છે. કારણ કે 1990માં મહેકમ મંજુર થયા બાદ નવા સ્ટાફની ભરતી જ ન થઈ હોવાથી દર વર્ષે વય મર્યાદાને કારણે ઘણા કર્મચારીઓ છુટા થતા હોય સ્ટાફ ઉત્તરોતર ઘટી રહ્યો છે. આથી 403ના મજૂર મહેકમ વચ્ચે માત્ર 146 સ્ટાફથી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી પાલિકા ચાલે છે. આ ઉપરાંત મહત્વની બાબત એ છે કે પાણીના શુદ્ધિકરણ માટે ટેકનીકલ સ્ટાફ અને એન્જીનીયરનો અભાવ છે. મોરબી નગરપાલિકામાં નવા સ્ટાફની ભરતી થતી નથી અને જૂનો સ્ટાફ વયમર્યાદાને કારણે પાલિકાને વખતોવખત ટાટા બાય બાય કરતો હોવાથી નગરપાલિકામાં હવે સ્ટાફની સમસ્યા ઓક્સિજન પર આવી ગઈ છે. 1990માં નગરપાલિકાનું 503 સ્ટાફનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારબાદ બેથી ત્રણ વખત ફેરફાર કરી 2006માં 20 ટકાનો કાપ મૂકી 403 સ્ટાફનું નવું મહેકમ મંજુર કરવામાં આવ્યું હતું. નગરપાલિકાનો વિસ્તારમાંનો વ્યાપ અને વસ્તી ઘણી વધી હોવા છતાં જૂનું સેટઅપ બદલાયું નથી. હાલ મોરબી પાલિકામાં વર્ગ-3માં મંજુર થયેલા 87માંથી આઉટડોર અને ઇન્ડોર મળીને 20, વર્ગ-4માં મંજૂર થયેલા 148માંથી 60નો સ્ટાફ તેમાંય વર્ગ-2માં એકપણ સ્ટાફ નથી. જેમાં મહત્વના કહી શકાય તેવા ડેવલપમેન્ટ એન્જીનીયર, હેલ્થ ઓફિસર, એકાઉટન્ટની કાયમી નિમણૂક ન કરાતા એ સ્ટાફ કરાર આધારિત જ ચાલે છે. તેમાંય પાણીના શુદ્ધિકરણ, ડ્રેનેજ, અને ઇલેક્ટ્રિક માટે ટેકનીકલ સ્ટાફ,બાહોશ એન્જિનિયરો પણ નથી. એટલે હાલ 146 સ્ટાફથી આખી નગરપાલિકાનો વહીવટ ચાલે છે. હાલ હયાત 146માંથી આગામી ત્રણ વર્ષમાં જુના 64 જેટલો સ્ટાફ રિટાયર્ડ થતો હોવાથી વહેલીતકે નવી ભરતી ન થાય તો મુશ્કેલી વધશે.એટલે કાયમી ગેઝટેડ ઓફિસર અને ક્વોલિફાઇડ સ્ટાફનો અભાવ હોવાથી પાલિકાનો વહીવટ અને પ્રજાના કામો સાવ ધીમી ગતિએ થાય છે. મોરબી નગરપાલિકાનો વહીવટ જાણે રામભરોસે ચાલતો હોય એમ સાવ ઓછો કાયમી સ્ટાફ છે. નવા સ્ટાફની ભરતી થતી નથી અને જૂનો સ્ટાફ વિદાય લઈ રહ્યો છે. આવી સ્ટાફ ઘટની વચ્ચે બે વખત પાલિકાની હદ પણ વધી છે. જેમાં 1996 અને 2015માં એમ બે વખત હદ વધી હોવાથી પાલિકાનો ડબલગણો વિસ્તાર વધી ગયો છે.પણ સ્ટાફ વધવાની જગ્યાએ ઘટી રહ્યો છે. સ્ટાફ ખૂબ જ ઓછો હોવાથી હયાત સ્ટાફ ઉપર કામનો બોજો વધ્યો છે. એક એક કર્મચારીને ત્રણ ત્રણ ટેબલનું વર્ક કામ કરવું પડે છે. એટલે હાજર સ્ટાફ પાસે ડબલ કે ત્રણ ગણી કામની જવાબદારી છે. હાલ વિસ્તારની દ્રષ્ટિએ અંદાજે 700નો સ્ટાફ હોવો જોઈએ એની સામે 146 જ હોય લોકોના પ્રશ્નો ક્યાંથી ઉકેલાય ? જો કે 567 જેટલા રોજમદારો છે. તેમાં દર મહિને વધઘટ થતી હોય છે. નગરપાલિકામાં કાયમી સ્ટાફની ભરતી માટે અગાઉ જનરલ બોર્ડમાં ઠરાવ કરીને મંજૂરી માટે રાજકોટની રિજયોનલ કમિશનર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. પણ રોસ્ટર મંજૂર ન થયું હોવાથી સ્ટાફ ભરતીનો પ્રશ્ન લટકતો જ રહ્યો છે.જેમાં રોસ્ટર મંજુર કરવા માટે સામાજિક અધિકારી વિભાગની બેઠક જ ઘણા સમયથી મળી ન હોવાથી આ વિભાગે રોસ્ટર મંજુર કર્યું નથી.