મોરબી: મોરબીના રેલવે સ્ટેશન પાસે આવેલા ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા માળિયા તાલુકાના મોટી બરાર મુકામે આવેલી મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતા 224 વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓને ત્રણ - ત્રણ ફૂલસ્કેપ નોટબુક આપવામાં આવી હતી. આ તકે તમામ દાતાઓનો શાળા પરિવારે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી આભાર પ્રકટ કર્યો હતો. મોરબી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર દ્વારા રાહતદરે દવાખાનું, દશ રૂપિયાના ટોકન પર દવા ફ્રી આપવી, દરરોજ પચાસ મણ લીલું ઘાસ ગાયોને ખવડાવવું, દર મહિને દશ મણ ચણ પંખીઓને નાખવી, દર રવિવારે અને મંગળવારે સવા મણ લાપસી ગુંદી-ગાંઠીયાની પ્રસાદ આપવો, દર વર્ષે નવરાત્રી અને ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં માતા-પિતા વગરની 11 નિરાધાર દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવે છે. દરેક દીકરીને સોના-ચાંદીના ઘરેણાં સહિત રૂપિયા અઢી લાખનો કરિયાવર આપવામાં આવે છે. આમ મેલડી માની કૃપાથી વર્ષ દરમિયાન અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન દિનેશભાઈ વડસોલા(અધ્યક્ષ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ) પોતાના વક્તવ્ય દ્વારા તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય બી. એન. વિડજાએ આભાર વિધિ દ્વારા તમામ દાતાઓનો આભાર પ્રકટ કર્યો હતો.