મોરબીના નાગરિકે રાજ્ય કક્ષાએ રજુઆત કરતા કાર્યવાહીના આદેશો છૂટ્યા : જામનગર મહાપાલિકાએ કાર્યવાહી શરૂ પણ કરી દીધીમોરબી : છાપામાં વેચાતા ખાદ્ય પદાર્થો આરોગ્ય માટે જોખમી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ મામલે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા પણ આ મામલે કાર્યવાહી કરવાની જરૂર જણાય રહી છે. મોરબીના જાગૃત નાગરિક દિવ્યેશ કુમાર દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીને 19 ફેબ્રુઆરી, 2025ના રોજ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ખાદ્ય પદાર્થોના પેકેજિંગમાં અખબારના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે અખબારની શાહીમાં લેડ, કેડમિયમ જેવા ઝેરી રસાયણો હોય છે. જે ખોરાક સાથે સંપર્કમાં આવતાં આરોગ્યને નુકસાન પહોંચાડે છે, જેમ કે પાચન સમસ્યાઓ અને લાંબા ગાળાની બીમારીઓને નોતરે છે.આ ફરિયાદને આરોગ્ય મંત્રીએ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર ડૉ. એચ. જી. કોશિયા સુધી પહોંચાડી હતી. FDCAએ 1 માર્ચ, 2025ના રોજ કેસનો નિકાલ કર્યો અને રીમાર્ક્સમાં જણાવ્યું: કે 'તમામ ડી.ઓ.ને નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવેલ છે.'આ આદેશના પગલે સમગ્ર ગુજરાતમા ખાદ્ય પેકેજિંગમાં અખબારના ઉપયોગ પર રોક લગાવવા સૂચના અપાઈ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ અંગે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જ્યારે મોરબી મહાનગર પાલિકા દ્વારા હજુ સુધીની કાર્યવાહીની રાહ જોવાય છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ગાઠિયાથી માંડી દાબેલી, ભજીયાથી લઇને અમુક મીઠાઈઓ સહિતની ખાદ્ય વસ્તુઓ છાપામાં પેક કરીને આપવામાં આવે છે. જે આરોગ્ય માટે જોખમી છે. આના બદલે વેપારીઓ શાહી વગરના કોરા પેપર ખરીદી તેમાં વસ્તુઓ આપે તેવી માંગ ઉઠી છે.