મોરબી : મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા અને જિલ્લા ફૂડ વિભાગ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. શહેરમાં ફૂડ વિભાગ દ્વારા મેગા ડ્રાઇવ યોજીને ખાણીપીણીની 30 જેટલી પેઢીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સ્વચ્છતા તથા લાઈસન્સના અભાવે નોટિસો ફટકારવામાં આવી હતી.મોરબી જિલ્લાના ફૂડ અધિકારી નીરવભાઈ ચૌધરી અને મોરબી મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર હિમાનીબેન ત્રિવેદી દ્વારા શહેરના નહેરુ ગેટ નાસ્તા ગલી તથા શનાળા રોડ પર ભક્તિ નગર સર્કલ પાસે આવેલી ખાણીપીણીની 16 જેટલી પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.આ ડ્રાઇવ દરમિયાન કુલ 10 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં 8 સર્વેલન્સ સેમ્પલ અને 2 એન્ફોર્સમેન્ટ સેમ્પલનો સમાવેશ થાય છે.વિશ્રાંતિ ગૃહ હોટલમાંથી બટેકાનું શાક, ઢોકળીનું શાક અને સેવ-ટમેટાના શાકના નમૂના લેવાયા હતા.શિવા પાણીપુરીમાંથી પાણીપુરીના પાણીનું સેમ્પલ લેવાયું હતું.વિશ્વાસ નાસ્તા હાઉસમાંથી બટેકાનું શાક, ભેળ અને મિક્સ ભજીયાના નમૂના લેવામાં આવ્યા હતા.ભક્તિનગર સર્કલ પાસે આવેલી બિગબોસ હોટલ (BIGBOSS HOTEL) માંથી પંજાબી શાકની ગ્રેવી અને દાળના નમૂના લેવાયા હતા.તપાસ દરમિયાન ફૂડ વિભાગની ટીમે અખાદ્ય એવી 7 કિલો ચટણી અને 10 લીટર દાઝિયું તેલ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી શોધી કાઢી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ઉપરાંત ગ્રાહકોને નાસ્તો આપવા માટે પ્રતિબંધિત એવા છાપેલા ન્યૂઝ પેપરનો ઉપયોગ થતો હોવાથી આશરે 15 કિલો જેટલા ન્યૂઝ પેપરના જથ્થાનો પણ નાશ કરવામાં આવ્યો હતો.મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કુલ 30 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી લાઈસન્સ અને હાઇજીન (સ્વચ્છતા) બાબતે 13 પેઢીઓને નોટિસ પાઠવવામાં આવી છે.અધિકારીઓ દ્વારા લેવાયેલા તમામ નમૂનાઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જો આ નમૂનાઓ લેબોરેટરીમાં ફેલ થશે તો સંબંધિત વેપારીઓ સામે FSSAI એક્ટ 2006 અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે અને તમામ વેપારીઓને તકેદારી રાખવા સૂચન કરાયું છે.#Morbi #FoodSafety #MorbiNagarPalika #FoodChecking #Health #MorbiUpdate #MorbiNews #FSSAI