મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરોની ઉપસ્થિતિ, ૧૫૨ જેટલા સદસ્યોને ખેસ પહેરાવી આવકાર્યા મોરબી: મોરબી કોંગ્રેસ દ્વારા આજરોજ સદસ્યતા અભિયાન અને જનજાગરણ અભિયાન તેમજ કૃષિ કાયદો પરત ખેંચવાની જાહેરાત બદલ પદયાત્રા વિજય રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડાના આદેશ અનુસાર મોરબી શહેર/તાલુકા/જિલ્લા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે આજરોજ સદસ્યતા અભિયાન અને જનજાગરણ અભિયાન તથા કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ વિરોધી કાળો કાયદો પરત ખેંચવાની જાહેરાત કરાતા કિસાનોને મળેલી વિજયની ઉજવણીના ભાગરૂપે પદયાત્રા વિજય રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી આજે સવારે 10:00 કલાકે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય,સનાળા રોડ, જીઆઇડીસી સામે,શુભ હોટેલની બાજુમાં, મોરબી ખાતેથી નીકળી હતી. આ રેલીમાં અનેક આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય લલિત કગથરા,મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રભારી કર્ણદેવસિંહ જાડેજા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેન્તીભાઈ જે.પટેલ, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે.ડી. પડસુંબિયા,મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી દરમ્યાન 152 જેટલા સદસ્યોને ખેસ પહેરાવી આવકાર્યા હતા. મોરબી કોંગ્રેસની પદયાત્રા વિજય રેલીને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો.