રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે હિટાચી ડમ્પર સહિતના વાહનો કબ્જે કર્યા મોરબી : હળવદ પંથકમાં ખનીજ ચોરો બેફામ બની દિવસ રાત ખનીજચોરી કરી રહ્યા હોવાની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચતા રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા સપાટો બોલાવી હળવદ તાલુકાના ચાડધ્રા ગામ નજીક બ્રાહ્મણી નદીમાં રેત ખનન કરી રહેલા બે હિટાચી મશીન તેમજ ત્રણ ડમ્પર કબ્જે કરી ખનીજચોરી મામલે આકરો દંડ ફટકારવા તજવીજ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ખાણખનીજ વિભાગની ફ્લાઈગ સ્ક્વોડની ટીમે હળવદ તાલુકાના ચાડધ્રા ગામ નજીક બ્રાહ્મણી નદીમાં રેતીનું ગેરકાયદેસર ખનન અને વહન કરવા બદલ ગોપાલ નારણભાઈ ઝાપડા અને જિગ્નેશસિહ સુખદેવસિહ ઝાલાના બે હિટાચી મશીન કિંમત રૂપિયા એક કરોડ તેમજ આ રેતીનું પરિવહન કરવા બદલ ડમ્પર નંબર જીજે 23 એક્સ 6772, ડમ્પર નંબર જીજે 13 એએક્સ 6101 તેમજ અન્ય એક ડમ્પર નંબર જીજે 36 વી 3001 મળી કુલ રૂપિયા 1 કરોડ 80 લાખના વાહનો કબ્જે કરી હળવદ પોલીસ મથકમાં જમા કરાવી રેતીની ખનીજ ચોરી સબબ તમામ વાહન માલિકોને લાખોના દંડ ફટકારવા તજવીજ શરૂ કરી હતી.