પોલીસ દ્વારા લોકોને ઈમરજન્સી કામ સિવાય બહાર ન નીકળવા કરાઇ અપીલ : ધારા ૧૪૪ નો કડક અમલ કરાવવા પોલીસ કરશે જરૂરી કાર્યવાહી હળવદ : હળવદમાં ગઈકાલે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને હળવદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જેમાં લોકોને કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરાઇ હતી. સાથે જ બજારમાં ટોળે વળી બેઠેલા લોકોના ટોળા વિખેરીયા હતા તો બીજી તરફ હળવદ વેપારી મહામંડળ દ્વારા ૩૧ માર્ચ સુધી હળવદ બંધનો નિર્ણય કરાયો છે. જો કે જીવન જરૂરિયાતની દુકાનો ખુલ્લી રહેશે. જેથી, લોકોએ પણ એની નોંધ લેવી તેમજ અફવામાં ન આવવું. ગઈકાલે પ્રાંત અધિકારી ગંગાસિંહ અને હળવદ પી.આઈ. સંદિપ ખાંભલા સહિત પોલીસ દ્વારા કોરોના વાઈરસના કહેરને લઇ હળવદમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. જેમાં લોકોને અપીલ કરાઈ છે કે કામ સિવાય ઘરની બહાર ના નીકળવું સાથે જ બજારમાં ટોળે વળી બેઠેલા લોકોના ટોળા વિખેરમાં આવ્યા હતા અને ધારા ૧૪૪ નો કડક પણે અમલ કરાવવા પોલીસ કાર્યવાહી કરી રહી છે. હાલ કોરોનાના કહેરને લઇ તંત્ર એલર્ટ બની ગયું છે ત્યારે હળવદ પાલિકા જાણે કુંભકર્ણ નિદ્રામાં સૂતી હોય તેમ શહેરમાં માત્ર દવાનો છંટકાવ કરી સંતોષ માની લીધો છે. જો કે શહેરમાં ફોગીંગ સહિતની કામગીરી હજુ સુધી કરાઇ નથી. સાથે જ આજે યોજાયેલી ફ્લેગ માર્ચમાં પણ માત્ર પાલિકાની ગાડી જોડાઈ હતી, કર્મચારીઓ નહીં. જેથી, પાલિકા તંત્ર વહેલી તકે કોરોના વાઈરસને લઈ પોતે જાગૃત થઈ લોકોને જાગૃત કરે તે જરૂરી છે.