સીટી એ ડીવીઝન પોલીસે પાંચ અલગ અલગ દરોડા પાડયા મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે દિવાળીના તહેવારોમાં દારૂની રેલમછેલ રોકવા પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે ત્યારે ગઈકાલે શહેરના જુદા જુદા વિસ્તારમાં અલગ અલગ પાંચ કાર્યવાહીમાં દારૂ બિયરના જથ્થા સાથે પાંચ ઇસમોને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ અંગે પાંચ કાર્યવાહી કરી હતી જેમાં પ્રથમ કાર્યવાહીમાં મોરબી જીઆઇડીસી પાસે આરાધના સોસાયટીમાં રહેતા ચિરાગ ભાયલાલભાઈ પટેલને જીઆઇડીસી પાસેથી રોકબર્ગ બિયરના 4 ડબલા કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજી કાર્યવાહીમાં નિકુલભાઈ કેશુભાઈ નકુમ રહે.આનંદનગર પાપજી ફનવર્ડ મોરબી વાળાને દલવાડી સર્કલ નજીકથી ઓલસીઝન વ્હીસ્કીની એક બોટલ કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લીધો હતો. જ્યારે ત્રીજી કાર્યવાહીમાં કેવલ જયેશભાઇ પીલોજરા રહે. લીલાપર રોડ મોરબી વાળાને કેનાલ રોડ ઉમા રેસિડેન્સી પાસેથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની દારૂની બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લીધો હતો. જ્યારે ચોથી કાર્યવાહીમાં પોલીસે હિતેન ઉર્ફે વિકી દિનેશભાઇ ઠોરિયા રહે. પારેખ શેરી, ગ્રીન ચોક મોરબી વાળાને કુબેરનાથ રોડ ઉપરથી ઓલસીઝન બ્રાન્ડ દારૂની 2 બોટલ કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લીધો હતો. ઉપરાંત જુના બસ સ્ટેન્ડ મચ્છી પીઠમાં રહેતા અવેશ સલીમભાઈ મોવરને વાવડી ચોકડી પાસેથી ઓફિસર ચોઇસ વ્હીસ્કીની એક બોટલ કિંમત રૂપિયા 320 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.