સિરોઇ ગામે દેશી દારૂ મામલે એલસીબીની રેઇડ અને હળવદ પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથ પોલીસ કર્મચારીને નડી ગયું હળવદ : હળવદ પોલીસ મથકમાં એક સાથે આઠ પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી બાદ પાંચ પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાતા પોલીસબેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. જાણવા મળતી વિગતો રેન્જ આઈજીની મોરબી જિલ્લામાં વિઝીટ બાદ જિલ્લા પોલીસવડા દ્વારા દોઢ ડઝન જેટલા પોલીસ કર્મચારીઓ અને પીઆઇ તેમજ પીએસઆઇની બદલી કરવા હુકમ કર્યો છે સાથો સાથ હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ જિલ્લા પોલીસ વડા દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા વીનેશભાઈ ખરાડીને અગાઉ સસ્પેન્ડ કર્યા બાદ વિક્રમભાઈ ઠાકરશીભાઈ સિહોરા, જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા, યોગેશદાન ગઢવી અને હરપાલસિંહ રાઠોડને સસ્પેન્ડ કરવા આદેશ કર્યો છે. આ સસ્પેન્શનના પગલાં પાછળ ફરજમાં બેદરકારી હોવાનું જણાવાઈ રહ્યું છે ખાસ કરીને એલસીબી ટીમે સિરોઇ ગામે દેશીદારૂનો જંગી જથ્થો પકડવાને કારણે ચાર પોલીસ કર્મી અને એક પોલીસ કર્મચારીને કસ્ટોડિયલ ડેથ મામલે સસ્પેન્ડ કરાયા હોવાનું આંતરિક સૂત્રો જણાવી રહ્યા છે.