વાંકાનેર : વાંકાનેરમાં માથાભારે ઇસમે વેપારીને ફોન ઉપર ધમકાવી જાનથી પતાવી દેવાની ધમકી આપી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર લક્ષ્મી સોસાયટીમાં રહેતા વેપારી સરફરાજભાઈ મહમદભાઈ ભોરણીયાએ સિટી પોલીસ મથકમાં આરોપી મોહશીન સીકંદરભાઈ શાહમદાર, રહે. કુંભારપરા વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી મોહસીને ગઈ તા.16 ના રોજ ફોન ઉપર કારણ વગર ગાળા ગાળી કરી રૂપિયા પાંચ લાખની માંગણી કરતા ફરિયાદીએ આના કાની કરતા જાનથી મારી નાખવા ધમકી આપી હતી. વધુમાં ત્રણ દિવસ પહેલાની ઘટનામાં માથાભારે આરોપીના ડરને કારણે વેપારી સરફરાજભાઈએ ફરિયાદ નોંધાવવામાં મોડું કર્યાનું જણાવ્યું હતું. હાલ આ મામલે પોલીસે આરોપી મોહસીન વિરુદ્ધ આઈપીસી કલમ ૫૦૪,૫૦૭,૩૮૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.