મોરબી નવા બસસ્ટેન્ડનાં પ્રવેશદ્વારે ખુલ્લી ભૂગર્ભ ગટરે કેટલાયને ભફાકા ખવડાવ્યા મોરબી : મોરબી નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આજે મોરબી નવા બસસ્ટેન્ડનાં પ્રવેશદ્વારે ઉભરાતી ભૂગર્ભ ગટર ખુલ્લી છોડી દેવાતા અનેક લોકો આ ગટરમાં ખાબક્યા હતા અને ક્રમશ એક્ટિવા, સીએનજી રીક્ષા અને છેલ્લે એક બસ પણ ગટરમાં ખાબકતા લોકોને ગંદકી ખુંદવી પડી હતી.જો કે આ મામલે મોરબી વિભાગીય ડેપો મેનેજર દ્વારા પાલિકાને ફરિયાદ કરવામાં આવી હોવા છતાં બપોર સુધીમાં ઉભરાતી ગટરની કુંડી બંધ કરવા પાલિકાએ તસ્દી લીધી ન હતી. દરરોજ હજારો માણસોની જ્યાં અવર-જવર રહે છે તેવા મોરબી શહેરના નવા બસસ્ટેન્ડના મુખ્ય પ્રવેશદ્વારે આજે સવારથી વગર ચોમાસે ગટરના ગંદા પાણીની નદી વહેવાનું શરૂ થવાની સાથે પાલિકાના બુદ્ધિશાળી લોકોએ આ ભૂગર્ભ ગટરની કુંડીનું ઢાંકણ ખોલી નાખવામાં આવતા બસસ્ટેન્ડમાં આવતા અનેક મુસાફરોને ગટરના ગંદા પાણીમાંથી ચાલવા મજબુર બનવું પડ્યું હતું. આ ઉપરાંત ગટરનું ઢાંકણ ખુલ્લું હોવાથી એક્ટિવા, સીએનજી રીક્ષા અને એક બસ પણ ખાબકતા લોકોને ભૂફાકા ખાવા પડવાની સાથે માથા રંગાઈ ગયા હતા. દરમિયાન નવા બસ સ્ટેન્ડના પ્રવેશ દ્વારે જ મોતના કુવા જેવી ભૂગર્ભ ગટર ખુલ્લી છોડી દેવા મામલે મોરબી એસટી ડેપોના વિભાગીય ડેપો મેનેજર શામળાએ જણાવ્યું હતું કે આ મામલે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરવામાં આવી છે. જો કે, ડેપો મેનેજરે જાણ કરવા છતાં આ ગંભીર બેદરકારી મામલે પાલિકા ચીફ ઓફિસર દ્વારા કોઈ જ પગલાં ન લેવામાં આવતા લોકોને ગંદકી ખૂંદવા અને ખુલ્લી ગટરમાં ખાબકવા મજબુર બનવું પડ્યું હતું.