LKG થી ધોરણ ૧૨ સુધીના અભ્યાસક્રમમાં ઉત્તીર્ણ થયેલ વિધાર્થીઓને ભેટવસ્તુઓ અને શુભેચ્છા પત્રો આપી સન્માનિત કરાયાહળવદ : હળવદના સમસ્ત મોચી સમાજ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 'પ્રથમ સરસ્વતી સન્માન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તા. ૧૩ જુલાઈ, ૨૦૨૫, રવિવારના રોજ બપોરે ૩ થી ૫ વાગ્યા દરમિયાન શ્રી સમસ્ત મોચી સમાજની સ્મારક ભૂમિ અને મુક્તિધામ પરિસર, હળવદ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનો હેતુ વર્ષ ૨૦૨૪-૨૫માં LKG થી ધોરણ ૧૨ સુધીના અભ્યાસક્રમમાં ઉત્તીર્ણ થયેલા મોચી સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો હતો. આયોજન શ્રી સમસ્ત મોચી જ્ઞાતિ સતિ-સુરા-સંત સ્મારક એવં મુક્તિધામ ટ્રસ્ટ-હળવદના પ્રમુખ વાઢિયા ચંદ્રકાન્તભાઈ સી. જરાદી (ભુજ-કચ્છ) ના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના કારોબારી ટ્રસ્ટી મંડળના આર્થિક સહયોગથી વિદ્યાર્થીઓને શિક્ષણને લગતી વિવિધ ભેટવસ્તુઓ અને શુભેચ્છા પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમનો પ્રારંભ શ્રી સરસ્વતી માતા અને શ્રી કુંવારીકા સતિમાતાના સ્થાનકે ધૂપ-દીપ, પુષ્પ પૂજન, દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રમુખે પ્રાસંગિક સંબોધન કર્યું હતું. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની ઉપસ્થિતિમાં, ટ્રસ્ટના હોદ્દેદાર ટ્રસ્ટીઓ દ્વારા સન્માનપત્રો અને ભેટવસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન આઈ.ટી.આઈ.ના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને સભ્ય અનિલભાઈ એમ. ઝાલાએ કર્યું હતું. કાર્યક્રમના અંતે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી, ડિજિટલ મીડિયા સહિતના તમામ સભ્યોના સહયોગથી આ પ્રથમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.