અજય લોરીયા સહિતની ટીમ આગામી સપ્તાહમાં સાઉથમાં શહીદ પરિવારોને હાથોહાથની સહાય આપવા રવાના થશે : આ યુવાનોની ટીમે આજે પ્રથમ વરસીએ પુલવાના આંતકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી મોરબી : જમ્મુ કાશ્મીરના પુલવામા સીઆરપીએફના જવાનો ઉપર થયેલા દેશના સૌથી મોટા આંતકી હુમલાની આજે પ્રથમ વરસી છે. આથી, સમગ્ર દેશ આજે આ આંતકી હુમલામાં શહીદ થયેલા ભારતમાતાના વીર સપૂતોની શહીદીને કોટી કોટી નમન કરી રહ્યું છે. ત્યારે આ શહીદ પરિવારોને હાથોહાથ સહાય પહોંચડવાની સેવાપ્રવૃત્તિ કરતા મોરબીના અજય લોરીયા સહિતના રાષ્ટ્ભક્ત યુવાનોની ટીમે આજે પુલવામાના શહીદોને વિરાજંલી અપર્ણ કરી હતી. આ ટીમે અત્યાર સુધીમાં પુલવામાના આતંકી હુમલાના 31 જેટલા શહિદના પરિવારોને રૂ. 58 લાખની હાથોહાથની સહાય પહોંચાડી હતી. હવે આગામી સપ્તાહમાં સાઉથમાં શહીદ પરિવારોને હાથોહાથની સહાય પહોંચાડવા જશે. જમ્મુ કાશ્મીરના પુલવામા આંતકી હુમલા બાદ શહિદ થયેલા જવાનોના પરિવારો સ્વમાન અને ખુમારીપૂર્વક જીવન જીવી શકે તે માટે તેમને ગૌરવભેર આર્થિક રીતે મદદરૂપ થવા મોરબીના અજય લોરીયા સહિતના રાષ્ટ્ભક્ત યુવાનોની ટીમે ભારે કમર કસી હતી. પુલવામાના આતંકી હુમલા પછી તરત જ આ યુવાનોની ટીમે લોકફાળો એકઠો કરવા માટે ખાસ અભિયાન ચલાવ્યું હતું અને આ માટે ગામડે ગામડે ફરીને લોકફાળો એકઠો કર્યો હતો. તેમજ જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીનો લોક ડાયરો પણ કર્યો હતો. આ રીતે પુલવામાના શહીદના પરિવારો માટે ખાસ સેવાપ્રવૃત્તિ કરીને લોકફાળો એકત્ર કર્યા બાદ શહીદ પરિવારોને હાથોહાથ સહાય પહોંચાડવા માટે દેશના જુદાજુદા રાજ્યોમાં વસતા શહીદ પરિવારોના ઘરે રૂબરૂ જઈને સહાય પહોંચાડી હતી. આ રીતે યુવાનોની ટીમે દેશના જુદાજુદા રાજ્યોમાં અત્યાર સુધીમાં 10 લાખ કી.મી.નો પ્રવાસ કર્યો હતો અને પુલવામાના 31 જેટલા શહિદ પરિવારોને અત્યાર સુધીમાં રૂ. 58 લાખની હાથોહાથની સહાય પહોંચાડી હતી. ત્યારે આજે આ યુવાનોની ટીમે પુલવામાના શહીદોને કોટિકોટી વંદન કરીને ફરી શહિદ પરિવારોને હાથોહાથની સહાય પહોંચાડવા માટે સાઉથ રાજ્યોનો પ્રવાસ ખેડશે અને આગામી સપ્તાહમાં આ યુવાનોની ટીમ સાઉથ જવા રવાના થશે. જ્યાં શહીદના પરિવારોને હાથોહાથની સહાય પહોંચડાશે. ત્યારે મોરબીના આ રાષ્ટ્ભક્ત યુવાનોની ટીમનું પ્રેરણાદાયી કાર્ય સૌના માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. અને હજુ કોઈ વ્યક્તિ અને સંસ્થાઓએ સહાય પહોંચાડવાની બાકી હોય તો તેઓ અજયભાઇ લોરિયા - 99134 33333 પર સંપર્ક કરી સહાય પહોંચાડી શકે છે.