મોરબી : મોરબી શહેરની સુરક્ષા અને જાગૃતિને ધ્યાનમાં રાખી મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ડેપ્યુટી કમિશ્નરની હાજરીમાં તા.12ના રોજ બાયપાસ રોડ ઉપર પંચાસર ચોકડી પાસે આવેલ શ્રી દોશી એમ.એસ. & ડાભી એન.આર.હાઈસ્કૂલ ખાતે આગની મોકડ્રિલ યોજવામાં આવી હતી. આ શાળાના બીજા માળે આગની ઘટના બની હતી. તેવો કોલ આચાર્ય દ્વારા મોરબી ફાયર ખાતે સવારે 11:14 કલાકે આવ્યો હતો. મોરબી મહાનગરપાલિકાની ફાયર ટિમ કોલ મળતાની 8 મિનિટની અંદર જ ફાયર બ્રિગેડની ટિમ ફાયર ફાઇટર સહિતના તમામ આધુનિક સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, આગ લાગવાની ઘટનાની જાણ થતાં શાળામાં લગાવેલ ફાયર એલાર્મ સિસ્ટમ ચાલુ કરવામાં આવેલ હતી અને બધા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ બહાર એસેમ્બલી એરિયામાં સહી સલામત શિફ્ટ કરવામાં આવેલ અને ફાયર જવાનો દ્વારા તાત્કાલીક બીજા માળે ફસાયેલ કુલ 2 લોકોને નીચે ઉતારી અને ઇમરજન્સી સારવાર માટે હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા. તેમજ ફાયર ફાઈટિંગ સિસ્ટમ તેમજ મોરબી મહાનગરપાલિકાના ફાયર બ્રાઉઝરની મદદથી આગને કાબુમાં લેવામાં આવી. અંતે આ મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી. શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સાથ સહકાર આપવામાં આવ્યો હતો. આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય શાળામાં આગ કે અન્ય કોઈ દુર્ઘટના બને તો આગ કેવી રીતે બુજવવી અને કેઝ્યુલીટીને બચાવવી તે હતો. તેમ યાદીમાં જણાવાયું છે.