માળીયા (મી.) : આજે વહેલી સવારે માળીયા-કચ્છ હાઇવે પર ઘાસનો જથ્થો ભરી લઇ જતા ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા માળીયા પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આજે તા. 26ના રોજ સવારે 6-30 કલાક આસપાસ માળીયા-કચ્છ હાઇવે પર કચ્છ જિલ્લાના કુકમા ગામના રહેવાસી અશ્વિનભાઈ ધનજીભાઈ ચાવડા (ઉ.વ. 26, ધંધો-ટ્રક ડ્રાઈવર) ટ્રક નં GJ-12-BT-6340 લઈને પસાર થતા હતા. તે દરમિયાન અજાણ્યા કારણોસર ટ્રકમાં ભરેલું ઘાસ સળગી ગયું હતું. જેના કારણે ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા ડ્રાઈવરે રોડની બાજુએ ટ્રક ઉભો રાખી દીધો હતો તેમજ માળીયા પોલીસને કોલ કરી ઘટનાની જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા માળીયા પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમજ ફાયર બ્રિગેડની ટીમે આગ બુઝાવી હતી તેમજ માળીયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં જાન હાનિ ટળી હતી.