વિકરાળ આગ કાબુમાં લેવા મોરબીથી ફાયર ફાયટર રવાના વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક આવેલ ગ્લોસી કોટેક્સ નામના કોટન જિનિંગ મિલમાં બપોરે પોણા ચારેક વાગ્યાના સુમારે વિકરાળ આગ ફાટી નીકળતા મોરબીથી ફાયર બ્રિગેડની ગાડી દોડાવવી પડી છે.આગ બુઝાવવા હાલ સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આ આગમાં એક લોડર ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામ નજીક આવેલ ગ્લોસી કોટેક્સ નામના કોટન જિનિંગ મિલમાં આગ લાગતા પળવારમાં આ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું બીજી તરફ આગને કાબુમાં લેવા સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ વિકરાળ બની હોય મોરબીથી ફાયર બ્રિગેડની એક મોટી ગાડી ઘટનાસ્થળે પહોંચી રહી છે.આ આગની ઘટનામાં કોઈ જાનહાનીની વિગતો બહાર આવી નથી પરંતુ કપાસની હેરફેર કરતું લોડર આગની ચપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતા મામલતદાર વાંકાનેર કચેરીનો સ્ટાફ પણ દોડી ગયો છે. વધુમાં કપાસને લોડર વડે ફેરવતી વખતે આગળનો ભાગ તૂટતાં સ્પાર્ક થવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે અને આ આગને કારણે 40થી 50 લાખનો માલ બળીને ખાખ થઈ ગયાનું સૂત્રો જણાવી રહ્યા છે.