બે કલાક સુધી રહેલા ચક્કાજામને કારણે મોરબી-હળવદ હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતોમોરબી : મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી મિલીપાર્ક સોસાયટીમાં ભૂગર્ભ ગટરની યોગ્ય કામગીરી ન થઈ હોવાને કારણે સોસાયટીમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા. ભૂગર્ભ ગટર લાઈન માટે કરવામાં આવેલા ખોદકામ બાદ યોગ્ય રીતે પાઈપલાઈન ન નંખાતા અને કચરો ભરાયેલો રહેતા પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જેને કારણે રોષે ભરાયેલા સ્થાનિકોએ મોરબી- હળવદ હાઇવે પર ઘુંટુ રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો. સ્થાનિકોના આક્રોશના કારણે અંદાજે 2 કલાક સુધી હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા ખોદકામવાળી ભૂગર્ભ ગટરની લાઈનમાંથી કચરો સાફ કરવાની અને પાણીના નિકાલની કામગીરી તુરંત શરૂ કરવામાં આવી હતી. યોગ્ય કામગીરી શરૂ થતાં સ્થાનિકોએ ચક્કાજામ આટોપી લીધો હતો અને રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરાયો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #Mahendranagar #MilliPark #TrafficJam #HalvadHighway #MorbiPolice #DrainageIssue