ધારાસભ્ય દુર્લભજીભાઈએ તા.10 સુધીમાં રોડનું કામ શરૂ થઈ જવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યોમોરબી : મોરબીના રવાપર રોડ ઉપર સ્થાનિકોએ બિસ્માર રસ્તાના પ્રશ્ને આજે બીજી વખત રોડ ચક્કાજામ કર્યો હતો. જો કે બાદમાં ધારાસભ્ય દુર્લભજીભાઈએ તા.10 સુધીમાં રોડનું કામ શરૂ થઈ જવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો અને સ્થાનિકોએ ચક્કાજામ હટાવ્યો હતો.રવાપર રોડ ઉપર વૈદહી પ્લાઝા સામે રામસેતુ સોસાયટીમાં 25 જેટલા એપાર્ટમેન્ટ આવેલા છે. અહીંના વિસ્તારોમાં રોડ ન હોવાથી ચાલી શકાય તેવી સ્થિતિ નથી. અગાઉ પણ ત્રણ મહિના પહેલા પણ સ્થાનિકોએ આ મામલે ચક્કાજામ કર્યો હતો. ત્યારે તંત્ર દોડતું તો થયું હતું પણ પછી કોઈ કામ આગળ વધાર્યું ન હતું. પરિણામે આજે સ્થાનિકો રસ્તા ઉપર ઉતર્યા હતા અને રોડ ચક્કાજામ કરી થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ચક્કજામને પગલે આરએન્ડબીના અધિકારીઓ અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ધારાસભ્યને કિચડવાળા રસ્તે ચલાવી સમગ્ર પરિસ્થિતિ દેખાડી હતી. આ મામલે ધારાસભ્યએ જણાવ્યું કે રોડ તો ગ્રામ પંચાયત વખતથી જ મંજુર થઈ ગયો હતો. પછી આ વિસ્તાર મહાપાલિકામાં ભળી ગયો હતો. મહાપાલિકામાં પણ રોડ મંજુર થઈ ગયો છે. પણ વરસાદની સ્થિતિને કારણે રોડનું કામ શરૂ થઈ શક્યું ન હતું. પણ હવે તા.10થી રોડનું કામ શરૂ થશે તેવી હું ખાતરી આપું છું. ઉલ્લેખનીય છે કે આ ખાતરી બાદ સ્થાનિકોએ ચક્કાજામ હટાવી દીધો હતો.