નર્મદાના પાણી પહેલા જ વરસાદનું આગમન થતા ખેડૂતોને નિરાંત મોરબી : છેલ્લા એકાદ અઠવાડિયાથી આગોતરા વાવેતર કરનાર માળીયા મિયાણા પંથકના ખેડૂતોને નર્મદા બ્રાન્ચ કેનાલમાં પિયત માટે પાણી ન મળતા રાજકીય માહોલ ગરમાવાની સાથે ખેડૂતો પણ લડી લેવા મેદાને ઉતર્યા હતા અને નર્મદા નિગમના અધિકારીઓ પણ ફિલ્ડમાં ઉતરી પાણી ચોરી બંધ કરાવતા અંતે માળીયા બ્રાન્ચ કેનાલમાં છેવાડા સુધી નર્મદાના નીર આવી પહોંચ્યા છે. જો કે, નર્મદાના નીર પહેલા જ કુદરતે હેત વરસાવી દેતા ખેડૂતોને વગર મહેનતે મોલાતને પાણી મળી જતા ખુશખુશાલ બન્યા છે. માળીયા નર્મદા બ્રાન્ચ કેનાલમાં પાણી મુદ્દે ગરમાગરમ માહોલ સર્જાયા બાદ મેઘરાજાએ આ ગરમ માહોલ પૂરતું ઠંડુ પાણી ફેરવી દીધું છે. જો કે, એ વચ્ચે માળિયા બ્રાંચ કેનાલમાં છેવાડાના ગામો જેવા કે જૂનાં ઘાટીલા, વેજલપર, ખાખરેસિ, વેણાશર, કુંભારિયા, માણાબા, ચિખલિ સહિતના ગામોના ખેડૂતો સુધી કેનાલના પાણી પહોંચી ગયા છે. માળીયા બ્રાન્ચ કેનાલનો લાભ લેતા ખેડૂતોને સમયસર પાણી મળે તે માટે સાંસદ મોહનભાઇ કુંડારીયા, મોરબી યાર્ડના ચેરમેન મગનભાઈ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ કવડિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ભાજપ જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ અને ખાખરેચી જીલ્લા પંચાયતના પૂર્વ ઉમેદવાર કેતનભાઈ વિડજાના પ્રયાસોથી હાલમાં કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી આવી ગયું છે અને કેનાલના લાભાર્થી ખેડૂતો દ્વારા આ પ્રયાસને આવકારવામાં આવ્યો છે. હાલ કેનાલમાં પાણી આવવાની સાથે મેઘરાજાએ પણ હેત વરસાવતા ખેડૂતોમાં બમણી ખુશી છવાઈ છે.