લાલપર ડમ્પિંગ સાઇટ ખાતે ગૌવંશના મૃતદેહો ઠાલવી દેવાતા વિશ્વ હિન્દુ પરિષદે ઉગ્ર વિરોધ નોંધાવતા મહાપાલિકા તંત્ર હરકતમાંમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા લાલપર ડમ્પિંગ સાઈટ પર ગૌવંશના મૃતદેહોને ખુલ્લામાં ફેંકી દેવાના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બનાવના પગલે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ ગૌવંશના મૃતદેહના યોગ્ય નિકાલમાં બેદરકારી દાખવનાર એએનસીડી શાખાના ઇન્ચાર્જ નિમેષ ખમલાને તાત્કાલિક અસરથી કરાર મુક્ત કર્યા છે. આ ઉપરાંત નંદીઘરનું સંચાલન કરતી એજન્સીને પણ નોટિસ ફટકારી દેવામાં આવી છે.શુ હતો સમગ્ર બનાવ ?આજે લાલપર ડમ્પિંગ સાઇટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ ગૌવંશના મૃતદેહોને ખુલ્લામાં ઠાલવી દેવાની ગંભીર બેદરકારીનો પર્દાફાશ કર્યો હતો. ઉપરાંત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સાંજે 5 વાગ્યા સુધીમાં ગૌવંશોની સન્માનપૂર્વક દફનવિધિ નહી થાય અને જવાબદાર વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી નહિ થાય તો તેઓ ગૌવંશના મૃતદેહોને મહાપાલિકા કચેરીએ લાવશે.એએનસીડી શાખા ઇન્ચાર્જને છુટા કરી દેવાયાડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે લાલપર ડમ્પિંગ સાઈટ પર પશુઓના મૃતદેહના નિકાલની જવાબદારી એએનસીડી શાખાના નિમેષ ખમલાની હતી. પરંતુ તેઓએ ફરજમાં બેદરકારી દાખવી મૃતદેહોને યોગ્ય રીતે ડમ્પ ન કરતા તેમને કમિશનર સાથેની ચર્ચા બાદ તાત્કાલિક છૂટા કરાયા છે. હાલ પૂરતો ચાર્જ એસએસઆઈ વિપુલ છૈયાને સોંપવામાં આવ્યો છે અને અન્ય એક કર્મચારીનો 7 દિવસનો પગાર કાપી તેમને નોટિસ અપાઈ છે. એજન્સી પાસે પૂરતો સ્ટાફ ન હોવાથી હાલ પશુઓના ઘાસચારા, પાણી અને સફાઈ માટે કોર્પોરેશનની ટીમ 3 શિફ્ટમાં કામ કરશે અને ભવિષ્યમાં આઉટસોર્સિંગ એજન્સી મારફતે લાયકાત ધરાવતા અધિકારીની નિમણૂક કરાશે.વિશ્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓ નંદીઘર ખાતે સેવા આપશેઆ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદના કમલભાઈ દવેએ જણાવ્યું હતું કે, ગૌવંશના અપમાનની ઘટના બાદ મહાનગરપાલિકાને સાંજે 5 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જેને પગલે તંત્ર દ્વારા ત્રણેય માંગણીઓ પૂરી કરવામાં આવી છે. પ્રથમ માંગ મુજબ મૃત ગૌમાતાની સન્માનપૂર્વક સમાધિ આપવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. બીજી માંગ મુજબ જવાબદાર અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (મુક્ત) કરવામાં આવ્યા છે. જ્યારે ત્રીજી માંગ મુજબ નંદીઘરના કોન્ટ્રાક્ટરને સામે પણ કાર્યવાહી કરાઈ છે. વધુમાં કમલભાઈ દવેએ ઉમેર્યું હતું કે, જ્યાં સુધી નંદીઘર માટે કોઈ નવો કોન્ટ્રાક્ટર ન મળે ત્યાં સુધી ડેપ્યુટી કમિશનર અને ડેપ્યુટી મેયર સાથે થયેલી ચર્ચા મુજબ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનો સંયુક્ત રીતે એક ટીમ બનાવીને નંદીઘર ખાતે ગૌવંશની સેવા અને જાળવણીનું કાર્ય કરશે.નંદીઘરના કોન્ટ્રાક્ટરને અગાઉ પણ નોટિસ આપી રૂ.1 લાખનો દંડ ફટકારાયો હતો ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ રખડતા પશુઓને પકડવાની કામગીરી તેજ કરાઈ હતી. વર્ષ 2025 ના સમયગાળા દરમિયાન 2000 થી વધુ પશુઓ પકડી આજુબાજુની ગૌશાળાઓમાં મુકાયા હતા. ત્યારબાદ કોર્પોરેશન દ્વારા નંદીઘર ડેવલપ કરી આશરે 900 નંદીઓ પકડીને ત્યાં રાખવામાં આવ્યા હતા. આ નંદીઘરના સંચાલનનો કોન્ટ્રાક્ટ પશુબા ચેરિટેબલ ટ્રસ્ટને અપાયો હતો, જેમાં મોટા પશુ દીઠ રોજિંદા 50 રૂપિયા અને નાના પશુ માટે 40 રૂપિયા ચૂકવવામાં આવે છે. અગાઉ પણ આ એજન્સીની કામગીરીમાં ક્ષતિ જણાતા બિલમાંથી 1 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.#MorbiUpdate #Morbi #MorbiNews #MorbiMunicipalCorporation #Gauvansh #VHP #ActionTaken #GujaratNews