કન્યા છાત્રાલય રોડની બિસ્માર હાલતને સ્થાનિકોએ અંદાજે બે કલાક રોડ ઉપર કર્યો ચક્કાજામ, મહાપાલિકાએ ખાડા બુરવાનું કામ શરૂ કરતા સ્થાનિકોએ ચક્કાજામ હટાવ્યોમોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડની બિસ્માર હાલતને કારણે સ્થાનિકોએ શરૂ કરેલો ચક્કાજામ અંદાજે બે કલાક બાદ હટાવવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનરે ત્યાં આવી રોડની હાલત રૂબરૂ જોયા બાદ ખાડા બુરવાનું કામ શરૂ કરાવતા મામલો થાળે પડ્યો છે.મોરબીના કન્યા છાત્રાલય રોડ અને આજુબાજુની સોસાયટીની અતિ બિસ્માર હાલતને કારણે રોષે ભરાયેલા સ્થાનિકોએ આજે સાંજે 5 કલાકે શનાળા રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો. મામલો થાળે પાડવા ડેપ્યુટી કમિશનર સંજય સોની શનાળા રોડ ઉપર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ કન્યા છાત્રાલય રોડ ઉપર સ્થાનિકો સાથે રૂબરૂ રોડની હાલત જોવા ગયા હતા. ત્યારબાદ તેઓએ તુરંત ખાડા બુરવાનું કામ શરૂ કરાવતા અને ભાજપ અગ્રણી અજય લોરીયાએ દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો. સ્થાનિકોએ ચક્કાજામ હટાવી દીધો છે. હાલ ટ્રાફિક ક્લિયર કરાવવા પોલીસ ટિમો કામે લાગી છે.