હળવદથી કોમ્પ્યુટર ઓપરેટરોને બોલાવાયા : એક જ દિવસમાં 100 ટોકન અપાયા મોરબી : મોરબી સબ રજિસ્ટાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર કોરાના પોઝિટિવ આવ્યા બાદ દસ દિવસ સુધી દસ્તાવેજ નોંધણી ઠપ્પ રહ્યા બાદ એજન્સી દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર પુરા પાડવામાં ન આવતા ગઈકાલે સબ રજિસ્ટાર કચેરીમાં દેકારો બોલી ગયો હતો અને રેવન્યુ પ્રેક્ટિશનર એસોશિએશન દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરાતા અંતે આજથી દસ્તાવેજ નોંધણી શરૂ થવા પામી છે. મોરબી જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે સબ રજિસ્ટાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર ઓપરેટર કોરોના પોઝિટિવ આવતા રેવન્યુ પ્રેક્ટિશનર એસોસિએશન અને વકીલ મંડળ દ્વારા દસ દિવસ સ્વૈચ્છીક રીતે દસ્તાવેજ નોંધણીથી અળગા રહેવા નક્કી કર્યું હતું. જેની મુદત ગઈકાલે પૂર્ણ થવા છતાં તંત્ર દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરની વ્યવસ્થા કરવામાં ન આવતા ગઈકાલે અનેક અરજદારો હેરાન પરેશાન થયા હતા. દરમિયાન આ મામલે વકીલો અને રેવન્યુ પ્રેક્ટિશનર એસોશિએશન દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવતા આજે તંત્ર દ્વારા હળવદથી કોમ્પ્યુટર ઓપરેટરને બોલાવી દસ્તાવેજની નોંધણી શરૂ કરવામાં આવી હતી અને આજના દિવસમાં કુલ 100થી વધુ ટોકન આપવમાં આવ્યા હતા.