પોલીસે બે કલાકમાં 450 ભારે વાહનો ચેક કર્યા, 13 વાહનો ડિટેઇન : નંબર પ્લેટ વગરના 40 વાહનો દંડાયા મોરબી : મોરબી પોલીસ દ્વારા છાસવારે નાના વાહનો ચેક કરવા ઝુંબેશ યોજવામાં આવે છે પરંતુ ભારે વાહનો વિરુદ્ધ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાની રાવ રેન્જ આઇજીને કરવામાં આવ્યા બાદ અંતે મોરબી શહેર અને આજુબાજુના હાઇવે ઉપર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર સહિતના ભારે વાહનો વિરુદ્ધ પોલીસે બે કલાક ઝુંબેશ ચાલવતા 450 વાહનો ચેક કરી 62,300નો દંડ વસુલ કરી 13 વાહનો ડિટેઇન કરવાની સાથે નંબર પ્લેટ વગરના અને ફેન્સી નંબર પ્લેટવાળા 40 વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો.મોરબી પોલીસ દ્વારા અલગ-અલગ નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનો ચેક કરવા માટે ખાસ ઝુંબેશ યોજી હતી જેમાં બે કલાકના સમયગાળામાં જ કુલ 450 ભારે વાહનો ચેક કરવામાં આવતા નંબર પ્લેટ વગરના 13 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.સાથે જ રોન્ગ સાઈડ અને પુરપાટ ઝડપે વાહન ચલાવનારા 18 વાહન ચાલકો સામે ફોજદારી ગુન્હો દાખલ કરી, લાયસન્સ અને વાહનના ડોક્યુમેન્ટ સાથે નહિ રાખનારા 53 વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત ફેન્સી અને તૂટેલી નંબર પ્લેટ હોય કે નંબર પ્લેટ વગરના અન્ય 40 વાહનો પણ પોલીસની ઝપટે ચડ્યા હતા અને કુલ મળી 62,300નો દંડ વસુલ કરી તાલપત્રી વગરના 12 વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.