મોરબી: શહેરના શનાળા રોડ પર એવન પાનની ગલીમાં મહારાષ્ટ્ર બેંકની સામે કચરાનું સામ્રાજ્ય થઈ ગયું છે. ત્યારે આ અંગે ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ અને એસપીને લેખિત રજૂઆત કરીને આ ગંદકી હટાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. વોર્ડ નંબર 6 ના મેહુલભાઈ આશરે કરેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, શનાળા રોડ પર આવેલા એવન પાનની ગલીમાં મહારાષ્ટ્ર બેંકની સામે કચરાના ઢગલા થઈ ગયા છે અને ધીમે ધીમે આ કચરાનો ઢગલો મોટો થઈ રહ્યો છે. આજુબાજુના વિસ્તારવાળા, સફાઈ કર્મચારી અહીંયા કચરો નાખે છે, મેડિકલ વેસ્ટ અહીં ઠલવાઈ રહ્યો છે. અવારનવાર આ અંગે રજૂઆત કરવામાં આવી છે. પાલિકાના સફાઈ કર્મચારીને પણ આ અંગેની જાણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. જેના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય દુકાનદાર, બેંક વાળા અને બેંકની મુલાકાતે આવતા લોકોને સતાવી રહ્યો છે. ગંદકીના કારણે અસહ્ય વાસ પણ આવી રહી છે. ભારે ગંદકીના કારણે આ વિસ્તારમાં મચ્છરનો ઉપદ્ર વધ્યો છે અને ડેન્ગ્યુ જેવા રોગ વધી શકે તેમ છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરીને કચરાનો નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત મોરબી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને કરવામાં આવી છે. સાથે જ દુકાનદારો, રહેવાસીઓ અને ઓફિસના લોકો દ્વારા મોરબી પોલીસવડાને પણ લેખિતમાં આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે, શનાળા રોડને લગોલગ એવન પાન વાળી ગલી પાછળના ભાગે રોડ છે ત્યાં બેંક ઓફ મહારાષ્ટ્ર આવેલી છે ત્યાં ઉકરડો થઈ ગયો છે. ગંદકી વધી રહી છે. હાલ માંદગીનો સમય હોય આજુબાજુ ઓફિસ અને રેહણાકવાળાને તકલીફ પડી રહી છે. તો આ રોડને વનવે અથવા પાર્કિંગ રૂપે કરવામાં આવે જેથી શનાળા રોડનો હોસ્પિટલ થી રામચોક સુધીનો ટ્રાફિક હળવો થાય.