ડાયરેક્ટર શુજિત સરકારની અગાઉની ફિલ્મો (પીકુ, મદ્રાસ કૅફે) કરતાં કે વરુણ ધવનની અત્યાર સુધી (જુડવા-2, 'બદ્રી.') કરતાં જુદી અને તદ્દન હટકે રીતે લખાયેલી, હટકે રીતે એકટ અને ડિરેક્ટ થયેલી, પ્રકૃતિની કોઈ હૃદયસ્પર્શી કવિતા જેવી ફિલ્મ એટલે 'ઓક્ટોબર'. આ ફિલ્મને લવસ્ટોરી કહેવા કરતાં સ્ટોરી ઓફ લવ કહેવું વધુ યોગ્ય લાગે, ફિલ્મમાં ક્યાંય આપણને એક પણ સંવાદ પ્રેમ વિશેનો ન સાંભળવા મળે, પણ ઘટનાઓથી, અભિનયથી અને સુપર્બ કેમેરાવર્કથી સ્ટોરી પોતાના એકથી એક પડ ખોલતી જાય અને રીતસર આપણને આંગળી પકડીને ખેંચતી જાય. વાત જાણે એમ છે કે નાયક વરુણ ધવન (ડેન વાલિયા) અને શિઉલી ઐયર (બનીતા સંધુ) બંને હોટેલ મેનેજમેન્ટ ટ્રેઇની છે. બીજા મિત્રો સાથે તેઓની ઈન્ટર્નશિપ ચાલે છે દિલ્હીના દ્વારકા વિસ્તારની 5 સ્ટાર હોટેલ રિડિસન બ્લુમાં. બંને વચ્ચે સામાન્ય કલીગ કરતાં પણ ઓછો સંવાદ થાય છે. શિઉલી જુનિયર છે તેઓની બેચમાં અને તેમ છતાં તેનું હોટેલ મેનેજમેન્ટ વિશેનું નોલેજ ખૂબ સારું છે. બંને વચ્ચે પાંગરી રહેલા વણકહેવાયેલા સંબંધને કોઈ જ અન્ડરલાઈન કર્યા વગર ફિલ્મમાં દર્શાવ્યો છે. ફિલ્મમાં અચાનક જ એક અકસ્માત થાય છે, શિઉલી ત્રીજા માળેથી નીચે પડે છે અને કોમામાં જતી રહે છે. સ્વજનને હોસ્પિટલમાં જોઈને જેવું આપણને અનુભવાય તેવું તો શિઉલીની મા પ્રોફેસર વિદ્યા ઐયરને અને તેના ભાઈ બહેન બન્નેને થાય છે, પણ ડેનને પણ કોણ જાણે કેમ ખાલીપો અનુભવાય છે. શિઉલીએ પડતા પહેલાં છેલ્લે પૂછ્યું'તું 'ડેન ક્યાં છે?'- આ એક વાક્ય ડેનને નવી આશાનું કિરણ આપતું રહે છે અને શિઉલીએ આમ કેમ પૂછ્યું હશે તેનું કારણ જાણવા ડેનની જર્ની વાર્તાને અંત સુધી લઈ જાય છે. શિઉલી કોમામાંથી બહાર આવી કે નહીં આ સ્ટોરી સુખદ અંત સુધી પહોંચી કે નહીં એ તો આપણે ફિલ્મનો અંત જ કહેશે. આ ફિલ્મ શુજિત સરકારને વર્સેટાઇલ ડાયરેક્ટર બનાવે છે, તો વરુણ ધવનને તેની ઈમેજમાંથી બહાર કાઢે છે. આ ફિલ્મના નામમાં પારિજાતના ફૂલને મૂકયું છે અને ફિલ્મમાં પણ પ્રકૃતિના તત્વોને કવિતાની જેમ ઝીલ્યા છે, પછી એ દિલ્હીની સવાર હોય કે કુલ્લુની ક્રિસમસની સાંજ હોય. પક્ષીઓના ટહુકા, વહેતા ઝરણાં, દાણા ચણતી ખિસકોલી કે બોગનવેલનું વૃક્ષ કેમેરાથી અદ્ભૂત રીતે ઝીલાયા છે. જોવાય કે નહીં ? ફિલ્મમાં એક પણ ગીત નથી કે નથી ડી.જે.નું સંગીત, પિયાનો અને વાયોલીનનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. ફિલ્મ વરૂન ધવનની 'મસાલા મુવી' નથી પણ વાંસળીના સુર જેવી મધુર છે. સ્ટોરી થોડી ધીમે ધીમે આગળ વધે છે, ઝાઝા વળાંકો નથી પણ પાત્રોનું પરફેક્ટ કાસ્ટિંગ છે. આ માસ મુવી નથી, કલાસ મુવી છે! વરૂન ધવને આ ફિલ્મમાં કેવી એક્ટિંગ કરું એવું પૂછ્યું ત્યારે શુજિત સરકારે કહ્યું, કોઈપણ જાતનો અભિનય કર્યા વગર જ રોલ કરજે, લોકો કહેશે, 'વાહ, શું અભિનય કર્યો છે ?' રેટિંગ : 8/10 આલેખન : મનન બુધ્ધદેવ