ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, એ સુપરસ્ટાર રજનીકાંતની બ્લોક(સોરી, બ્લેક)બસ્ટર ફિલ્મ 'કાલા' રિલીઝ થઈ ચુકી છે. રજનીકાંતની મૂવી એમનાં ફેન્સ માટે ઉત્સવથી ઓછી નથી હોતી. એન્ટરી, એક્શન, ડાયલોગ, 360°કેમેરાશોટ્સ, સ્ટાઇલ બધું જ રજનીફાઈડ જોવા મળે. ફિલ્મમાં એક જ હીરો હોય ખુદ રજનીકાંત! - ડાયરેક્ટર પા.રણજીતે કબાલી પછી ફરી એકવાર રજનીકાંતના સ્ટારડમને લઈને એક સુપરડુપર હિટ ફિલ્મ બનાવી છે, કાલા. ફિલ્મની શરૂઆતમાં જ LED લાઇટમાં આવતું સુપરસ્ટાર રજનીનું નામ ફેન્સની ચિચિયારીઓ ઓડિયો સાથે રજૂ થાય છે. ફિલ્મના કેન્દ્રમાં છે, એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મુંબઈની ધારાવી. આ ધારાવીના લોકો સાથે ફિલ્મની શરૂઆતમાં જ આપણે પરિચિત થઈ જઈએ છીએ. બહારથી આવેલા લોકો નાતજાતના ભેદ ભૂલીને ધારાવીમાં હળીમળીને રહે છે. સમયાંતરે તેઓને આવતી મુસીબતોમાં ગેંગસ્ટર રજનીકાંત તેઓને મદદ કરે છે. તેઓના ભવિષ્ય માટે તેઓની ચિંતા કરતાં કરતાં કાલા કરિકાલન (રજનીકાંત) તેઓનો મસીહા બની જાય છે. આ માફિયા-મસીહા ટાઈપનું કેરેક્ટર ધારાવીનો રાજા હોય એવી જ રીતે સીધેસીધું આપણી સામે મુકાયું છે. ફિલ્મમાં વચ્ચે ચિત્રોની મદદથી ફ્લેશબેકમાં લઈ જઈ ભૂતકાળ સમજાવાય છે. આ ધારાવીની ઝુંપડપટ્ટીની જમીન ભૂ-માફિયા જેવા રાજકારણી હરિદાદા અભ્યન્કર (નાના પાટેકર) પચાવી પાડવા માંગે છે અને અન્યાય સામે લડતાં કાલા અને હરિદાદાનું દ્વંદ્વ શરૂ થાય છે. રજનીકાંતનું કેરેક્ટર સમગ્ર ફિલ્મમાં આપણને જેટલીવાર સ્ક્રીન પર રહે છે એટલીવાર જાણે ચોંટાડી રાખે છે. રજનીનો બ્લેક લૂક ધ્યાનાકર્ષક છે. કાળા કપડાં, કાળા ચશ્માં, કાળી ચપ્પલ, કાળી ઘડિયાળ, કાળી મૂછ (દાઢી સફેદ છે, ઉંમર તો બતાવી પડે ને!), કાળી છત્રી વગેરેમાં કાલા કરિકાલન 'ધ રજનીકાંત' લાગે છે. કાલાનો એ જ જીવનમંત્ર છે, ધારાવીમાં રહીને ધારાવીનું રક્ષણ કરો, જમીન સાથે જોડાઈ રહો, નિ:સ્વાર્થભાવે લોકોની સેવા કરો (સેવા કરવા હિંસા પણ કરો) ને દલિતો-ગરીબોને થતાં અન્યાય સામે લડો. ફિલ્મમાં કાલાની પત્નીનો રોલ ખૂબ અસરકારક છે. ઇશ્વરી રાવએ આ રોલને ખૂબ સરસ નિભાવ્યો છે. બંન્નેની કેમેસ્ટ્રી ખૂબ જામે છે. કાલાની તેના પ્રત્યેની વફાદારી પણ ખુબ છે. બંન્ને વચ્ચે મીઠી તકરાર જોવી ખૂબ ગમે છે. કાલાની ભૂતકાળની પ્રેમિકા ઝરીનાના રોલમાં છે, હુમા કુરેશી. આ રોલમાં હોવી જોઈએ એ કરતાં એની ઉંમર ખૂબ નાની લાગે છે. આખી સફેદ દાઢીવાળા કાલાની પ્રેમિકાને માત્ર 3 જ સફેદ વાળ મેકઅપ આર્ટિસ્ટએ દર્શાવ્યા છે! જોકે તમિલ લિપ્સિંગમાં પણ હુમાએ ભૂલો કરી હશે એવું દેખાઈ આવે. એક NGO ચલાવતી હુમા ખૂબ સુંદર તો લાગે છે, પણ તેના રજનીકાંત સાથેના ઘણા નબળા સીન્સને લીધે ફિલ્મ ખૂબ લાંબી થઈ ગઈ છે. ફિલ્મમાં અન્ય એક ફિમેલ કેરેક્ટર ચારુમતી-તુફાનીના રોલમાં અંજલિ પાટીલે નોંધપાત્ર કામ કર્યું છે. જો હીરો રજનીકાંત હોય, તો વિલન નાના પાટેકર સિવાય બીજું કોણ હોઈ શકે!? ફિલ્મમાં નાના પાટેકર એક રંગબદલું રાજકારણી છે. નાના પાટેકરે રજનીકાંતને પૂરેપૂરી ટક્કર આપી છે. નાના કાયમ સફેદ ડ્રેસઅપમાં જ જોવા મળે છે. સમગ્ર ફિલ્મમાં નાના-રજનીને ચાર વખત સ્ક્રિન શેર કરતાં જોઈ શકાય છે. દરેક સીન અદ્ભૂત છે. સિનેમા એટ ઇટ્સ બેસ્ટ! એક ધારાવીનો રાજા અને એક મુંબઇનો કિંગ! ડાયરેક્ટરે સમાજના વિવિધ પાસાંને આમ સ્પર્શ કર્યો છે. મૂડીવાદી માનસિકતા ધરાવતા લોકો કેવી રીતે લોકોને છેતરી પોતાનું સામ્રાજ્ય ઉભું કરે છે. ભોળા લોકો કેવા ભોળવાય જાય છે. પોતાનું ધાર્યું ન થવાથી રાજકારણીઓ કેવી રીતે કોમીહુલ્લડો કરાવે છે. આ બધું જ ડાયરેક્ટરે રજનીકાંતના સ્ટારડમ હેઠળ આવરી લીધું છે. રજનીકાંતના જમાઈ ધનુષે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં રજનીકાંતની ઈમેજને ધ્યાનમાં રાખીને કેટલાક સીન્સ ફિલ્મવાયા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં સંતોષ નારાયણે જબરદસ્ત ઇફેક્ટસથી આખી મુવીને નવો જ આયામ આપ્યો છે. અદ્ભૂત કેમેરાવર્કથી આ મુવી કંડારાઈ છે. ક્લોઝઅપ શોટસ, ઇન-આઈટ ઈફેક્ટ, VFX, એરિયલ વ્યૂ અને ડિટેલિંગ જોવા જેવું છે. રજનીકાંતની ઉંમર હોવાને લીધે સોંગ્સના કેટલાક સ્ટેપ્સમાં એ સ્ટેબલ રહીને ડાન્સ કરે છે તોય જોવા ગમે છે. એકાદ બે વધારાના સોંગ્સ કાઢી નાખ્યા હોત તો પણ ચાલે એમ છે. જોવી કે નહીં? ફિલ્મ એક કમ્પલીટ 'રજનીપર્વ' છે, એ ઉજવવાનું જ હોય. રજનીનાં ફેન્સ ન હોય તેમના માટે પણ ફિલ્મમાં ઘણું બધું છે. (બે બે કલાકની મુવી જ આવે છે ને હમણાં તો, ઘણા સમયે ઈન્ટરવલ આવવાની રાહ જોવી પડી!) મ્યુઝિક, સ્ક્રિનપ્લે, સ્ટોરી, સિનેમેટોગ્રાફી, ડાયરેક્શન અને પાવરપેક પર્ફોર્મન્સ માટે મુવી મસ્ટવોચ કેટેગરીમાં મૂકી શકાય. ફિલ્મમાં બહુ કાબેલિયતપૂર્વક રંગોનો ઉપયોગ થયો છે, કાળો રંગ મહેનતનો રંગ છે, સમાજના નબળા અને ગરીબ વર્ગને રજૂ કરે છે. જ્યારે સફેદ રંગ સોફેસ્ટીકેટેડ સોસાયટીને સૂચવે છે. આ બંને રંગો ઉપરાંત કલાઈમેક્સમાં લાલ, પીળો, બ્લુ સહિતના રંગોનો ઉપયોગ કરીને કલાત્મક રીતે ફિલ્મનો અંત શૂટ કર્યો છે. રેટિંગ : 8.5/10 આલેખન : મનન બુધ્ધદેવ 9879873873