ટ્રક રિવર્સમાં લેતી વખતે હોટલમાં થયેલું નુકસાનનું વળતર માટે દબાણ કરતા ટ્રકચાલકે વખ ઘોળ્યું મોરબી : મોરબી - માળીયા હાઇવે પરની નિલકંઠ હોટલમાં ટ્રક રીવર્સમાં લેતી વખતે હોટલના ટોયલેટને નુકસાન થયા બાદ હોટલના માલીક અને સંચાલકે એ નુક્શાનીના વળતર માટે અતિ દબાણ કરતા ટ્રક ચાલકે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા આ ચોંકવનારા બનાવમાં મૃતકના પિતાની ફરિયાદને પગલે તાલુકા પોલીસે હોટલના માલિક-સંચાલક સામે મરવા મજબૂર કર્યાનો ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ સુરેશ પેટ્રોલીયમની ઓરડીમા રહેતા મૂળ રાજસ્થાનના વતની મહેન્દ્રભાઇ એસીરામભાઇ ઓડ (ઉ.વ ૪૫) એ આરોપીઓ નિલકંઠ હોટલના સંચાલક તેમજ નિલકંઠ હોટલના માલીક સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૪ મે ના રોજ તેમનો પુત્ર વિશાલ તથા તેની સાથેનો ડ્રાઇવર સાહીલખાન બન્ને ટ્રક કન્ટેનર લઇને માળીયા હાઇવે રોડ નાગડાવાસ ગામના પાટીયા પાસે આવેલ નિલકંઠ હોટલમા ન્હાવા ધોવા માટે રોકાયા હતા. બાદમાં ફરીયાદીનો દિકરો વિશાલ ત્યાં ટ્રક પાર્કીંગ કરવા ટ્રક-કન્ટેનર રીવર્સ લેતો હતો. ત્યારે પાછળ રહેલ નિલકંઠ હોટલના ટોયલેટને નુકસાન થયું હતું. જેથી, આ ટોયલેટની નુકસાની પેટે હોટલ સંચાલક તથા હોટલ માલીક બન્નેએ ફરી.ના દિકરા વિશાલ સાથે રકઝક કરી છેલ્લે રૂપિયા ૨૫,૦૦૦ આપવાનુ કહેલ પરંતુ ફરીયાદીના દિકરા તથા ડ્રાઇવર સાહીલખાન પાસે રૂપિયા ન હોય અને રૂપિયા આપવા માટે પ્રેસર કરવા લાગતા ફરીયાદીના દિકરા વિશાલે તેની ટ્રકની કેબીનમા રહેલ ઝેરી દવા પી જતા ઝેરી દવાની અસર થતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવની ફરિયાદ પરથી તાલુકા પોલીસે બન્ને આરોપીઓ સામે આઇ.પી.સી કલમ-૩૦૬,૧૧૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ તાલુકા પીએસઆઇ વી.કે.કોઠીયા ચલાવી રહ્યા છે.