મોરબી : મોરબી જિલ્લામાં લોકડાઉનની કડક અમલવારી થઈ રહી છે. આ દરમિયાન પરમિશન વગર બહારથી આવેલા લોકો સામે પોલીસ કડક હાથે કામ લઈ રહી છે. જેમાં કચ્છ-ભુજથી પરમિશન વગર મોરબીમાં આવેલા એક યુવક સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લામાં બહારથી કોઈ વ્યક્તિ મંજૂરી વગર પ્રવેશે તો તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે મોરબી તાલુકાના ઘુંટુ ગામમાં નવસર્જન સ્કુલની પાછળના વિસ્તારમાં રહેતા સંતોષભાઇ સુરેશભાઇ મહાલીક કચ્છ ભુજ વાડી વિસ્તારમાથી પોતાની રીતે વગર પરવાનગીએ કોઇ વાહનમાં ઘુંટું ગામ વિસ્તારમાં આવી રહેવા લાગ્યા હોવાનું તંત્રને ધ્યાનમાં આવ્યું હતું. તેથી, ગઈકાલે તા. 15ના રોજ સંતોષભાઇ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં કોરોના વાઇરસનુ સંક્રમણ વધે તેવુ બેદરકારીભર્યુ ગંભીર કૃત્ય કરી મોરબીના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આરોગ્ય તંત્રએ તકેદારીના પગલાં લીધેલા છે.