મોરબી : મોરબીના રામેશ્વરનગર ગામે જુના મનદુઃખ મામલે બે પરિવારો વચ્ચે માથાકૂટ થયા બાદ મારામારી થઈ હતી. આ બનાવ બાદ બન્ને પક્ષોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હિતેષભાઈ મગનભાઈ ડાભી (ઉ.વ.-૩૫, રહે હાલ ગુલાબનગર, મોરબી) અનીલભાઇ ધનજીભાઇ, દીલીપભાઇ ધનજીભાઇ, ધનજીભાઇ (રહે. ત્રણેય રામેશ્વર નગર, મોરબી) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે તા. ૮ના રોજ ફરીયાદી રામેશ્વર નગર ગામમાં ઝાપા પાસે આવેલ કરીયાણાની દુકાને જતા રોડ ઉપર આરોપીએ તેમના મોટાબાપુ ગીરધરભાઇ સાથે બોલાચાલી કરતા હોય અને ગીરધરભાઇ માનસીક બીમાર હોય. જેથી, ફરીયાદીએ આરોપીઓને સમજાવવા જતા ત્રણેય આરોપીઓ એ ફરી.ને કહેલ કે તુ તારૂ કર તારે આમા વચ્ચે પડવાની જરૂર નથી તેમ કહી ફરીને જેમા ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી આરોપીઓએ હાથમાં લોંખડનો પાઇપ હોય, જેનો એક ઘા ફરીયાદીના માથાના પાછળના ભાગે મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષના અનીલભાઇ ધનજીભાઇ મનીપરા (ઉ.વ.૩૦)એ હીતેષભાઇ મગનભાઇ ડાભી, હીતેષભાઇ ડાભીનો ભાઇ અને હીતેષભાઇ ડાભીના પિતાજી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદી તથા તેના મોટા બાપુ બંને પોતાના ગામના ઝાપા પાસે આવેલ દુકાને ઉભા હતા ત્યારે આ કામના આરોપીઓ ત્યાં આવતા ફરીયાદીના મોટાબાપુએ આરોપીને કહેલ કે આ મારા ભાઇનો દીકરો મને માર મારે છે તેમ કહેતા ફરીયાદી તેના સમજાવવા જતા બંને વચ્ચે બોલાચાલી થતા એકબીજાને ગાળો આપતા આરોપીઓએ ફરીયાદીને જેમફાવે તેમ ગાળો આપી ઝપાઝપી કરી લાકડી વતી ફરીયાદીના પગમાં મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.