બન્ને પક્ષે એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં દુકાનના કારીગરોની ખેંચતાણ મામલે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં ચારથી વધુ લોકોને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે બન્ને પક્ષે એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ વાંકાનેર પોલીસ મથકે નોંધાવી છે. વાંકાનેર પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી જગદીશભાઈ કાનજીભાઈ સુરેલા (ઉ.વ.-૩૯, રહે- વાંકાનેર વીસીપરા રામક્રુષ્ણ પોટરી સામે) એ આરોપીઓ રમેશભાઈ કાનજીભાઈ સુરેલા, રાહુલભાઈ રમેશભાઈ સુરેલા, કૌશિકભાઈ રમેશભાઈ સુરેલા, રજનીભાઈ રમેશભાઈ સુરેલા, જનબેન રમેશભાઈ સુરેલા, જયાબેન કાનજીભાઈ સુરેલા સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીના ભાઈ સાહેદ રાજેશભાઈ કાનજીભાઈ તથા તેનો દિકરો નીતીનભાઈ રાજેશભાઈ કારીગર દુકાને કામ પર રાખવા બાબતે બોલાચાલી કરતા હોય, જેથી ફરીયાદી તેમને છુટા પાડવા જતા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી 'તુ કેમ છોડાવવા આવેલ' તેમ કહી લોખંડના પાઈપ વતી માથાના ભાગે ઇજા પહોંચાડી તથા પ્લાસ્ટીકના પાઈપ વતી ગરદનની ડાબી બાજુ મુંઢ ઇજા પહોંચાડી અને ઢીકાપાટુ મારી પેટના ભાગે મુંઢ ઇજા પહોંચાડી તેમજ સાહેદ રાજેશભાઈને પ્લાસ્ટીકના પાઈપ વતી બંને પગે સાથળના ભાગે મુંઢ ઇજા પહોંચાડીને સાહેદને થોડીવાર પછી પાછળથી આવી આરોપીઓએ લાકડી વતી અને લોખંડના પાઇપ વતી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. જ્યારે સમાપક્ષે ફરિયાદી નીતીનભાઈ રાજેશભાઈ સુરેલા આરોપીઓ રાજેશભાઈ કાનજીભાઈ સુરેલા, જગદીશભાઈ કાનજીભાઈ સુરેલા, અજયભાઈ જગદીશભાઈ સુરેલા, સાગરભાઈ જગદીશભાઈ સુરેલા, મીનાબેન જગદીશભાઈ સુરેલા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીના કારીગર સાહેદ જયેશભાઈ કોળીને આરોપીએ ગાલ પર ફડાકા મારતા ફરીયાદીએ આરોપીને કહેલ કે 'તમે મારા કારીગરને શું કામ ફડાકા માર્યા' તેમ કહેતા આ કામના આરોપીઓએ તે અમારા કારીગરને કામે શુ કામ રાખ્યો તેમ કહી ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને કોસ વતી માથાના ડાબી બાજુ ઇજા પહોંચાડી તથા તલવાર વતી પેટની ડાબી બાજુ સામાન્ય સરકાની ઇજા પહોંચાડીને લાકડાના ધોકા વતી અને ઢીકાપાટુનો માર મારી સાહેદ જયાબેનને લાકડાના ધોકા વતી ડાબા હાથે પંજાના ભાગે ફ્રેક્ચર તથા માથાના ભાગે મુંઢ ઇજા પહોંચાડી તથા સાહેદ કૌશિકને લાકડાના ધોકા વતી માથાના ભાગે મુંઢ ઇજા તેમજ સાહેદ કિરણબેનને લાકડાના ધોકાવતી ડાબા કાન પાછળ ઇજા પહોંચાડી છુટા પથ્થરના ઘા કરી મુંઢ ઇજા પહોંચાડી તથા સાહેદ રંજનબેનને માથાના ભાગે લાકડાના ધોકાવતી ઇજા પહોંચાડી તથા ઇંટના કટકાનો છુટો ઘા કરી છાતીના ભાગેમુંઢ ઇજા પહોંચાડી ફડાકા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.