તાલુકા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી મોરબી : મોરબી તાલુકાના નવાગામે જુના મનદુઃખ મામલે બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બન્ને પક્ષ મળીને ચારથી વધુ લોકોને ઇજા થઇ હતી. આ મારામારીની ઘટના અંગે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. આથી, તાલુકા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના નવાગામ (લગધીરનગર) ખાતે રહેતા ફરિયાદી સાગરભાઇ ગાંડુભાઇ ભુંભરીયા (ઉ.વ.૨૩) એ આરોપીઓ વિજયભાઇ હિરાભાઇ, રમેશભાઇ હિરાભાઇ, હિરાભાઇ તેજાભાઇ, રાજેશભાઇ હિરાભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના વાહના ફેરા વધુ થતા હોય અને આરોપીના વાહનના ફેરા ન થતા હોય, જેનો ખાર રાખી આરોપીઓએ લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વતી ફરીયાદી તથા સાહેદને મારમારી હાથ પગમાં ફેક્ચર જેવી ગંભીર ઇજા કરી જાનથી મારી નાખવાથી ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે ફરિયાદી રાજેશભાઇ હિરાભાઇ પડસારીયાએ આરોપીઓ મહેશભાઇ ગાંડુભાઇ ભુભરીયા, સંજયભાઇ ગાંડુભાઇ ભુભરીયા, સાગરભાઇ ગાંડુભાઇ ભુભરીયા, ચિરાગભાઇ અને બીજા બે અજાણ્યા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીને આરોપી સાથે જુનુ મનદુ:ખ થયેલ હોય, જેનો રોષ રાખી આરોપીઓએ લોખંડની ટામી વડે તથા લોખંડના પાઇપ વતી ફરીયાદીને તથા સાહેદને માર માર્યો હતો. તેમજ આરોપીઓએ ફરીયાદી સાથે ઢીકા પાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.