બન્ને બાઈકચાલકોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના દરબાર ગઢ પાસે રોડ ઉપર બે બાઈક વચ્ચે અકસ્માત બાદ આ બન્ને બાઈકચાલકો વચ્ચે સશસ્ત્ર મારામારી થઈ હતી. જેમાં બન્નેને ઇજા પહોંચી હતી. બાદમાં બન્ને બાઈકચાલકોએ એકબીજા ઉપર હથિયારોથી હુમલો કર્યાની સામસામી ફરિયાદ એ ડિવિજન પોલીસ મથકે નોંધાવી હતી. એ ડિવિજન પોલીસે બન્ને જૂથની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના દરબારગઢ પાસે આવેલ ખત્રીવાડ શેરી નં-૧માં રહેતા જુવાનસિંહ સનતસિંહ જાડેજા (ઉ.વ.૩૦)એ આરોપી હસુભાઇ ઉર્ફે ફૌજી નિમાવત સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૪ ના રોજ મોરબીના દરબાર ગઢ પાસે રામ ડિપો પાન સામે રોડ ઉપર આરોપીએ ફરીયાદીના બાઈક સાથે ભટકાવતા ફરીયાદીએ ઠપકો આપ્યો હતો. આથી, ઉશ્કેરાયેલા આરોપીએ ફરીયાદીને ગાળો આપી ધારીયુ તથા લાકડાના ધોકો લઇને આવી અને ફરીયાદીને ધારીયા વડે માથામાં તથા જમણા હાથના કાંડા ઉપર તથા ડાબા હાથના અગુંઠા ઉપર ઇજાઓ કરી હતી. જ્યારે સમાપક્ષે કલ્પેશભાઇ હસમુખભાઇ નિમાવત (ઉ.વ.૨૮) એ આરોપી જુવાનસિંહ સનતસિંહ જાડેજા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે આરોપીના બાઈક સાથે ફરીયાદીના પિતાનુ બાઈક ભટકાતા ઉશ્કેરાયેલા આરોપીએ પોતાના બાઈકમાથી ધોકો કાઢી ફરીયાદીના પિતાને માથાના ભાગે મારી તેમજ ઝપાઝપી કરી તેના નેફામાંથી છરી કાઢી કપાળના ભાગે તથા છાતીના ભાગે તથા ડાબા હાથના કાંડા ઉપર તથા ડાબા હાથના આંગળા ઉપર હુમલો કર્યો હતો. જેથી, ફરીયાદીના પિતાને ગંભીર ઇજા થઇ હતી. આ બનાવની સામસામી ફરિયાદ નોંધાતા એ ડિવિજન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate