બે વ્યક્તિ પર બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદના રણછોડગઢ ગામે ખેતરમાં જવાનો રસ્તો ખેડી નાંખવા મામલે મારામારી થઈ હતી. જેમાં બે વ્યક્તિ પર બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. હળવદ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મહેશભાઇ ગાંડુભાઇ સીણેજીયા (ઉ.વ ૩૯, હાલ ચરાડવા, નવા તળાવમાં, મુળ રહે ગામ રણછોડગઢ, હળવદ) વાળાએ આરોપીઓ ધનજીભાઇ દેવાભાઇ દઢૈયા તથા પુનાભાઇ ભીમાભાઇ દઢૈયા (બન્ને રહે ગામ રણછોડગઢ, હળવદ) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૫ ના રોજ રણછોડગઢ ગામની સીમમાં એક આરોપીએ સાહેદ ગોરધનભાઇના ખેતરમાં જવાનો રસ્તો ખેડી નાખેલ હોય. જેથી, ગોરધનભાઇએ આરોપીને રસ્તો કેમ ખેડી નાખેલ છે તેમ કહેતા એકદમ ઉશ્કેરાય જઇ ગાળો આપી છોરીયાનો ઘા સાહેદ ગોરધનભાઇને કાનના ઉપરના ભાગે માથાના ભાગે મારતા કાનનો ઉપરનો ભાગ કપાઇ જતા તથા માથામાં ગંભીર ઇજા કરી હતી.તથા બીજા આરોપીએ પુનાભાઇએ ફરીયાદીને પકડી રાખતા આરોપીએ છોરીયાનો એક ઘા ફરીયાદીના માથામાં મારી ઇજા કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.