ધારીયા, કુહાડી અને પાઇપ વડે હુમલો કરાયાની સામસામી ફરિયાદહળવદ : હળવદ શહેર નજીક આસ્થા રોડ પર આવેલ ખેતીની જમીનના ભાગ મુદ્દે એક જ કુટુંબના સભ્યો વચ્ચે કુહાડી, ધારીયા અને પાઇપ વડે હુમલો કરી એકમેકને ઇજાઓ પહોંચાડવામાં આવતા ભાયુભાગની જમીન મુદ્દે થયેલ ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો છે. બનાવ અંગે હળવદ પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરમાં અવધ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠીએ આરોપી મેહુલ રમણિકભાઈ ગોઠી, નિલેશ રમણિકભાઈ ગોઠી અને એક અજાણ્યા માણસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.15ના રોજ ફરિયાદી આસ્થા રોડ પર આવેલ ખેતીની જમીન અંગે આરોપીઓ સાથે વાત કરતા હતા ત્યારે આરોપીઓએ કુહાડી, ધારિયા અને પાઇપ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. સામાપક્ષે ફરિયાદી મેહુલ રમણિકભાઈ ગોઠીએ આરોપી ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી ધર્મેન્દ્રએ તેમની વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જમીનના ભાગ બાબતે મનફાવે તેવી ગાળો આપી ધારીયા વડે હુમલો કરી ફરિયાદી તેમજ તેમના ભાઈને જીવતા નહિ રહેવા દઉં તેવી ધમકી આપી હોવાનું જાહેર કર્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે સામસામી ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે.