મોરબીમાં ટ્રાવેલ્સના ધંધાર્થીની હત્યા પ્રકરણમાં પાંચમો આરોપી ઝડપાયો મોરબી : મોરબીમાં ટ્રાવેલ્સના ધંધાર્થીની હત્યા નિપજાવનાર તેના જ ભત્રીજા સહિતના ચાર આરોપીઓને અગાઉ ઝડપી લીધા બાદ આજે પાંચમો આરોપી સામેથી હાજર થતા પોલિસે તેની વિધિવત ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં ખોડિયાર ટ્રાવેલ્સના માલિક ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટિનુભા પ્રહલાદસિંહ જાડેજાની ગત તારીખ 2 ના રોજ તેના જ સગા ભત્રીજા જયરાજસિંહ વિજયસિંહ જાડેજા તથા દિગ્વિજયસિંહ રાણા, મુકેશ ઉર્ફે મુકલો ભરવાડ તથા એક સગીર સહીત કુલ છ શખ્સોએ મળીને હત્યા કરી હતી. આ બનાવ બાદ પોલીસે ચારેય આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા. બાદમાં આરોપીઓને ત્રણ દિવસના રીમાન્ડ પર લઈને હત્યા સંબધિત ખૂટતી કડીઓ વિશે માહિતી મેળવવા સઘન પૂછપરછ હાથ ધરી હતી.દરમ્યાન આજે આ હત્યા પ્રકરણમાં ફરાર રહેલો આરોપી મનીષભાઈ ઉફે કુમાર હર્ષદરાય કપાસી આજે સામેથી પોલીસ મથકે હાજર થતા પોલીસે તેની વિધિવત ધરપકડ કરી હતી.જોકે હજુ આ હત્યાના ગુનામાં ફરાર રહેલા છઠ્ઠા આરોપીને પોલીસે ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.