મોરબી : કર્ણાવતીના મણિનગરના ડો. હેડગેવાર ભવન ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી યોજાઈ હતી. આ કારોબારીમાં મોરબી જિલ્લાના 15 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી અને પ્રાંત ટીમ દ્વારા પ્રશ્નો ઉકેલવા માટે જે તે વિભાગ સાથે પરામર્શ કરવાની ખાત્રી આપવામાં આવી હતી.આ 15 પ્રશ્નોમાં (1) વર્ષ 2005 પછી નિમણૂક પામેલા શિક્ષકોને જૂની પેંશન યોજનામાં સમાવવા (2) વર્ષ 2005 પહેલાંના કર્મચારીઓની સીપીએફ કપાત બંધ કરી તા.01.04.2025 થી જીપીએફ એકાઉન્ટ ઓપન કરવા (3) વર્ષ 2013 માં થયેલ નવ રચિત જિલ્લાઓના શિક્ષકોના જીપીએફના નાણા જુના જિલ્લામાંથી નવ રચિત જિલ્લામાં ટ્રાન્સફર કરવા (4) સીપીએફ એકાઉન્ટ ઓપન કરવામાં પાંચ પાંચ વર્ષ જેટલો સમય વ્યતીત થઈ જાય છે, ઝડપથી કાર્યવાહી થાય એ માટે જિલ્લા કક્ષાએ કેમ્પનું આયોજન કરવું (5) દર વર્ષે માર્ચ માસમાં ગરમીનું પ્રમાણ ખુબજ વધી જતું હોય 15મી માર્ચથી શાળાનો સમય સવારનો કરવા અગાઉથી જ રજુઆત કરવા બાબત (6) સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા SMC, CRC, BRC ને આપવામાં આવતી ગ્રાન્ટની લિમિટ હાલ જે 25% આપવામાં આવી છે એના બદલે પ્રથમ શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે 50% અને બીજું સત્ર શરૂ થાય ત્યારે જમા કરવા બાબત. (7) સમગ્ર શિક્ષા અભિયાનમાં નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતો મુજબ વર્ષોથી રૂપિયા 2000/- ની ખરીદી પર ત્રણ ભાવ લેવાની જોગવાઈ છે એમાં ફેરફાર કરી હાલના મોંઘવારીના સમયમાં 5000/- રૂપિયાની કોઈ એક જ વસ્તુની ખરીદી પર ત્રણ ભાવ લેવાની જોગવાઈ કરવા બાબત (8) સીઆરસી/બીઆરસી ભરતીમાં ગણિત, વિજ્ઞાન શિક્ષકોને નિમણૂક આપવાની છૂટ આપવી (9) ખાતાકીય પરીક્ષા કલાસ-2 ની પરીક્ષામાં લાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકોને પરીક્ષા આપવાની છૂટ આપવી (10) વર્ષ દરમ્યાન શિક્ષકોને પોતાના વર્ગ બાળકોના ભોગે ઘણી બધી તાલીમો આપવામાં આવે છે એ તાલીમ ઓછી કરવી (11) દર વર્ષે વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવાની પ્રક્રિયા ખુબજ જટિલ હોય એને સરળ કરવી (12) જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની શિક્ષણ શાખાઓમાં કલાર્કની નિમણૂક કરવી (13) એસ.ઓ.ઈ. સિવાયની તેમજ એક શિક્ષક વાળી શાળામાં જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવા અંગે (14) પે-સેન્ટર શાળામાં ફેરફાર કર્યા વગર પે-સેન્ટર તેમજ 300 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળામાં શાળા સહાયકની નિમણૂક કરવી (15) વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસની મંજૂરી આપવા બાબતે પ્રશ્નો રજૂ કરાયા હતા.કર્ણાવતીના ડો.હેડગેવાર ભવન ખાતે યોજાયેલ કારોબારી બેઠકમાં હિતેશભાઈ ગોપાણી પ્રાંત સંગઠન મંત્રી પ્રાથમિક સંવર્ગ, દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ, કિરણભાઈ કાચરોલા મંત્રી, પ્રવિણભાઈ ધોળુ કાર્યકારી અધ્યક્ષ, સંદીપભાઈ આદ્રોજા વરિષ્ઠ ઉપાધ્યક્ષ, હિતેશભાઈ પાંચોટીયા સહ સંગઠન મંત્રી, નિરવભાઈ બાવરવા પ્રચાર મંત્રી વગેરેએ ઉપસ્થિત રહી પંદર જેટલા શૈક્ષણિક, વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રશ્નો રજૂ કર્યા હતા.