લાતીપ્લોટ-8માંથી ઉભરાતી ગટરના પાણી છેક મેઈન રોડ ઉપર પહોંચતા લોકો લપસી જતા હોવાની હૈયાવરાળ ઠાલવી મોરબી : મોરબી પાલિકામાં સૌથી વધુ કરવેરો ભરવા છતાં પણ સુવિધાઓની દ્રષ્ટિએ સૌથી વધુ પછાત એવા ઔદ્યોગિક વિસ્તાર લાતીપ્લોટમાં છેલ્લા કેટલાક સમયથી શરૂ થયેલી રોડ અને ગટરની કામગીરી અણઘડ હોવાથી ગટર ઉભરવાની સમસ્યાએ માજા મૂકી છે અગાઉ અનેક રજુઆત છતાં કોઈ કાર્યવાહી ન કરતા આજે સ્થાનિક વેપારીઓની ધીરજ ખૂટી હતી અને નગરપાલિકાએ દોડી જઈને ઉભરાતી ગટર પ્રશ્ને ઉગ્ર રજુઆત કરી હતી. મોરબીના લાતીપ્લોટ શેરી નંબર-8માં વેપાર ઉધોગ ચલાવતા વેપારીઓ આજે ગટર પ્રશ્ને રજુઆત કરવા નગરપાલિકા કચેરીએ દોડી ગયા હતા અને પાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી કે, લાતીપ્લોટમાં રોડ અને ગટરનું કામ શરૂ થયું ત્યારથી જ આડેધડ અને મનફાવે તેવી કામગીરી કરાતા સ્થાનિક વેપારીઓની હાડમારી વધી રહી છે. લાતીપ્લોટ-8માં ગટરના ઢાકણા ખુલ્લા રાખીને માથે રોડ બનાવી દીધો હોવાથી સતત ગટર ઉભરાય છે. વગર વરસાદે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. ગટર સતત ઉભરાતી હોવાથી ગટરના દૂષિત પાણીને કારણે બેસુમાર ગંદકી ફેલાય છે. આથી જન આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે. આ ગટરનું પાણી ઉભરાયને છેક લાતીપ્લોટ મેઈન રોડ ઉપર વહે છે. આથી અનેક વાહન ચાલકો લપસી જાય છે.આ ઉપરાંત કચરાનું કલેક્શન ન થતું હોવાથી યોગ્ય સફાઈ કરવાની પણ રજુઆત કરવામાં આવી છે.