ફેડરેશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન્સની બેઠક મળી, જેના મોરબી જીઆઈડીસી એસો.ના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા : ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી મોરબી : ફેડરેશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન્સ (FIA)ની કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાતની જીઆઇડીસીમાં પ્લોટ ટ્રાન્સફર માટે જૂની સ્ટેમ્પ ડ્યુટી અને તેના પર છ ગણા દંડના મામલે તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. આ બેઠકમાં મોરબી જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ નિલેશ દેથરીયા સહિત ગુજરાતની ઔદ્યોગિક વસાહતોમાંથી એફ.આઈ.એ.ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. એફ.આઈ.એ.ના જણાવ્યા મુજબ, આ ગંભીર સમસ્યાને કારણે જીઆઈડીસી વસાહતોમાં નવી રોકાણ પ્રક્રિયા અટકી ગઈ છે, એક્સપાન્શન મુશ્કેલ બન્યું છે, અને 'ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ' પર ગંભીર અસર પડી રહી છે. સંગઠને આ 'અન્યાયપૂર્ણ સ્ટેમ્પ ડ્યુટી વસૂલી'ને ઉદ્યોગના વિકાસમાં મોટો અવરોધ ગણાવ્યો છે.ફેડરેશન દ્વારા અગાઉ પણ મુખ્યમંત્રી, ઉદ્યોગમંત્રી, સ્ટેમ્પ ડ્યુટી કમિશનર અને સંબંધિત અધિકારીઓને રૂબરૂ મુલાકાતો અને પત્રો દ્વારા રજૂઆતો કરાઈ છે, પરંતુ કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. આજની બેઠક બાદ એફ.આઈ.એ.એ ગુજરાત સરકાર, જીઆઇડીસી અને સંબંધિત વિભાગોને આ મામલે તાત્કાલિક અને ઉદ્યોગલક્ષી ઉકેલ લાવવા માટે માંગ કરી છે. જો આ સમસ્યાનો સ્પષ્ટ અને વ્યવહારુ ઉકેલ જાહેર નહીં કરાય, તો રાજ્યભરના ઉદ્યોગપતિઓએ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એફ.આઈ.એ.એ આશા વ્યક્ત કરી છે કે સરકાર ઉદ્યોગોના હિતમાં નિર્ણય લેશે.