બી ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી, થેલો પરત મળતા વેપારીએ પોલીસનો આભાર માન્યો મોરબી : મોરબીમાં રાખડીનો છૂટક વ્યવસાય કરતા એક નાના વેપારીનો રાખડી ભરેલો થેલો રીક્ષામાં ભુલાઈ ગયો હોય, આ વેપારીએ બી ડિવિઝન પોલીસ સમક્ષ પોતાની સમસ્યા જણાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આ થેલો શોધી કાઢ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ દિલીપભાઇ નટવરલાલ પટણી હાલ રહેવાસી- ત્રણ માળીયા હાઉસીંગ બોર્ડ,મોરબી મૂળ રહેવાસી- અમદાવાદ વાળા રક્ષાબંધન નિમીતે રાખડી વેચવાનો છૂટક વ્યવસાય મોરબી ખાતે કરતા હોય જે વ્યવસાય અર્થે તેઓ રાખડી ભરેલ થેલાઓ લઇ નટરાજ ફાટકથી ત્રાજપર ચોકડી તરફ રીક્ષામાં જતાં હતા તે દરમ્યાન પોતાનો રાખડી ભરેલો એક થેલો કિંમત રૂ. ૩,૯૦,૦૦૦/- નો રિક્ષામાં ભૂલી ગયેલ હતા. જેથી તેઓએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી અરજી કરેલ હતી. જે અરજી અનુસંધાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ-મોરબીના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા ટીમ નેત્રમ દ્વારા રીક્ષાને શોધી રીક્ષા માલીકનો સંપર્ક કરી રાખડી ભરેલ થેલો પરત મેળવી મૂળ માલીકને ગણતરીની કલાકોમાં પરત અપાવેલ હતો. મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલ ત્વરીત કાર્યવાહી બદલ અરજદારે લાગણીસભર મોરબી પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.