વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મહિલાના પતિને મારી નાખવા ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કરતા પગલું ટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપર ગામે બે વ્યાજખોરોએ કાળો ક્હેર વર્તાવી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મહિલાના પતિને મારી નાખવા ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મહિલાએ ડરના માર્યા ફિનાઈલ ગટગટાવી લેતા ટંકારા પોલીસે બન્ને વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના સજ્જનપર ગામે રહેતા દિલીપભાઈ અમરશીભાઇ જાદવે આરોપી ઘનશ્યામસિંહ વિજુભા જાડેજા અને દિલીપભાઈ ઉર્ફે ભયલભાઈ જાડેજા રહે,બન્ને સજ્જનપર ગામ વાળા પાસેથી અનુક્રમે રૂપિયા 2 લાખ તેમજ 40 હજાર 10 ટકા વ્યાજે લીધા હતા.જે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી બન્ને આરોપીઓએ દિલીપભાઈના ઘેર જઈ જાતિ પ્રત્યે અપમાનિત કરી દિલીપભાઈના પત્ની ઉષાબેનને ધમકી આપી જો પૈસા નહીં આપો તો પતિ દિલીપભાઈને મારી નાખશું તેમ કહેતા ઉષાબેને ફિનાઈલ ગટગટાવી લીધી હતી. બનાવ અંગે ટંકારા પોલીસે આઇપીસી કલમ 504, 506 (2),114 તેમજ નાણાં ધીરધાર અધિનિયમની જુદી જુદી કલમ મુજબ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.