જો વધુ વરસાદ ત્રાટકશે તો મીઠાના તૈયાર જથ્થા ઉપર પાણી ફરી વળશે મોરબી : વાવાઝોડા તાઉતેની અસરને પગલે ગઈકાલે સાંજથી સમગ્ર મોરબી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હોવાથી મીઠા ઉદ્યોગને પારાવાર નુકશાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે, સામાન્યતઃ સૌરાષ્ટ્રમાં 15 જૂન બાદ ચોમાસુ શરૂ થતું હોય તેના બદલે વાવાઝોડાની અસર હેઠળ એક માસ વહેલો વરસાદ આવતા તૈયાર મીઠાના પાક ઉપર ખતરો ઉભો થયો છે. મોરબી જિલ્લામાં માળીયા અને હળવદ તાલુકામાં મોટા પ્રમાણમાં મીઠાના અગર આવેલા છે અને દેશમાં કુલ મીઠા ઉત્પાદનમાં મોરબી જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે આ વર્ષે ચાલુ સીઝનમાં મીઠા ઉદ્યોગ ઉપર વાવાઝોડા તાઉતે ખતરો સર્જી દીધો છે. માળીયાથી લઈ કચ્છ પટ્ટી સુધીમાં પથરાયેલા અગરોમાં હાલમાં તૈયાર નમકનો ખુબ જ મોટો સ્ટોક પડ્યો છે. ઉપરાંત, અગરના ક્યારામાં પણ તૈયાર થયેલ મીઠું પડ્યું હોય ગત સાંજથી પડી રહેલા સતત વરસાદને કારણે નમકનો તૈય્યાર જથ્થો વરસાદી પાણીમાં વહી જવા ની ભીતિ સેવાઈ રહી છે. મોરબીમાં મીઠા ઉધોગ સાથે સંકળાયેલા જયદીપ એન્ડ કંપનીના સંચાલક દિલુભા જાડેજાના જણાવ્યા મુજબ સામાન્ય સંજોગોમાં રાજ્યમાં 15 જૂન બાદ ચોમાસુ સક્રિય થતું હોવાથી મોટાભાગના અગરમાંથી 15 જૂન પહેલા તૈયાર માલ ઉપાડી લેવામાં આવતો હોય છે પરંતુ વાવાઝોડાની અસરને કારણે અચાનક વરસાદ ત્રાટકતા હાલમાં નુકશાન જવાની દહેશત છે. જો હજુ સાંજ સુધી મોટા પ્રમાણમાં વરસાદ પડશે તો મીઠા ઉદ્યોગને આંકી ન શકાય તેવું નુકશાન પહોંચશે. જો કે અંતરિયાળ વિસ્તારમાં મીઠાના અગરમાં રહેતા તમામ અગરિયાઓને વાવાઝોડા પૂર્વે જ સલામત આશ્રય આપી દેવામાં આવ્યો હોવાનું પણ તેમેણે અંતમાં જણાવ્યું હતું.